કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તથા મોરબીના વિદ્યાર્થીઓનો ‘દીક્ષારંભ કાર્યક્રમ’ યોજાયો
જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબી (હાલ:જૂનાગઢ) ના બી.એસસી. (ઓનર્સ) એગ્રી.ના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત “દીક્ષારંભ કાર્યક્રમ” યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુલપતિએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કૃષિ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દીની અનેક તકો હોવાનું જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત રમત-ગમત તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અને યુનિવર્સિટીની શિસ્ત જાળવવા અનુરોધ કર્યો હતો.
સંશોધન નિયામક ડો.વી.ડી.તારપરાએ કૃષિ સંશોધન ક્ષેત્રની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી. જાદવે કૃષિ વિસ્તરણ કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની કામગીરી અંગે માહિતી આપી હતી. કુલસચિવ ડો.વાય.એચ. ઘેલાણીએ કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢની વર્ષ ૧૯૬૦થી અત્યાર સુધીની શૈક્ષણિક સફર તથા યુનિવર્સિટીના ઇતિહાસ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડો.આર.એમ. સોલંકીએ એન.સી.સી., એન.એસ.એસ. સહિતની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે આચાર્ય અને ડીન ડો. પી.ડી. કુમાવતે સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકો, શિક્ષકઓ, રેક્ટર, એન.એસ.એસ. ઓફિસર તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.


