ખેડૂતો માટે મહત્વનો નિર્ણય: ખરીફ પાકની ટેકાના ભાવે નોંધણી હવે 24 ઓક્ટોબર સુધી, રવી યોજનાઓ માટે પણ ખુલ્યું I-Khedut પોર્ટલ
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની મુદતમાં 15 દિવસનો વધારો; પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ લેવા રવી ઋતુ માટે 15 ઓક્ટોબર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી
જૂનાગઢ,તા.૫
ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આગામી રવી ઋતુ માટે વિવિધ ખેતીવાડી યોજનાઓનો લાભ મેળવવા I-Khedut પોર્ટલ પણ ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે અગાઉ તા. 09 ઓક્ટોબર 2026 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે હજુ નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને તક મળી રહે તે માટે નોંધણીની મુદતમાં 15 દિવસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો હવે તા. 24 ઓક્ટોબર 2026 સુધી નોંધણી કરાવી શકશે. જે ખેડૂતોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને નિયત સમયમર્યાદામાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવની નોંધણી ઉપરાંત આગામી રવી ઋતુને ધ્યાનમાં રાખીને પણ ખેડૂતો માટે મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રવી ઋતુ દરમિયાન ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા માટે I-Khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓ માટે ખેડૂતો તા. 4 ઓક્ટોબરથી તા. 15 ઓક્ટોબર 2026 સુધી I-Khedut પોર્ટલ મારફતે અરજી કરી શકશે. જેથી રવી ઋતુમાં આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ છેલ્લી તારીખ પહેલાં જરૂરી ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની રહેશે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈ-બહેનોને ખેતીવાડી વિભાગની યોજનાઓનો લાભ મેળવવા માટે સમયસર I-Khedut પોર્ટલ પર અરજી કરવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયામાં સહાયની જરૂર હોય તો ગ્રામ પંચાયત કક્ષાએ VCEનો સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત યોજનાઓ અને અરજી પ્રક્રિયા અંગે વધુ વિગતો મેળવવા માટે ખેડૂતો પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી શકે છે. તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) પાસેથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.
જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આમ, એક તરફ ખરીફ પાકની ટેકાના ભાવે નોંધણી માટે ખેડૂતોને વધુ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ આગામી રવી ઋતુની વિવિધ ખેતીવાડી યોજનાઓ માટે પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.


