ગુજરાતમાં બાળ કલ્યાણ યોજનાઓથી 27 હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને સહાય, રૂ.132 કરોડથી વધુનો આર્થિક લાભ
‘પાલક માતા-પિતા યોજના’, ‘શેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ’ અને લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય સહિતની યોજનાઓ અમલી; પાલક માતા-પિતા યોજના હેઠળ પ્રતિ બાળક દર મહિને રૂ.3,000ની સહાય
ગાંધીનગર તા.28
ગુજરાતમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવનઘડતર તેમજ તેમના ભવિષ્યને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2025-26થી ઓગસ્ટ 2026 સુધીમાં વિવિધ યોજનાઓ અંતર્ગત 27 હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને રૂ.132 કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા મુખ્યત્વે ‘પાલક માતા-પિતા યોજના’, ‘શેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ’ તેમજ ‘પાલક માતા-પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે રૂ.2 લાખની સહાય’ જેવી યોજનાઓ અમલમાં છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં આ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે.
રાજ્ય સરકારના આંકડા અનુસાર પાલક માતા-પિતા યોજના હેઠળ વર્ષ 2025-26 દરમિયાન 21,881 લાભાર્થીઓને કુલ રૂ.80.81 કરોડની સહાય આપવામાં આવી હતી. જ્યારે એપ્રિલ 2026થી ઓગસ્ટ 2026 સુધીમાં 22,224 બાળકોને રૂ.34.24 કરોડની સહાય આપવામાં આવી છે.
આ યોજના ખાસ કરીને એવા 0થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે છે જેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય. આ ઉપરાંત પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કર્યા હોય અથવા માતાનું અવસાન થયા બાદ પિતાએ પુનઃલગ્ન કર્યા હોય અને બાળક તેમની સાથે રહેતું ન હોય તેવા પાત્ર બાળકોને પણ યોજનાનો લાભ આપવાની જોગવાઈ છે.
પાલક માતા-પિતા યોજના હેઠળ બાળકની સારસંભાળ રાખતા નજીકના સગાને પ્રતિ બાળક દર મહિને રૂ.3,000ની સહાય આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફતે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. યોજના માટે બાળકના જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માતા-પિતાના મૃત્યુના દાખલા, જરૂરી કિસ્સામાં પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર કે સ્વઘોષણાપત્ર, આવકનો દાખલો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ અને અભ્યાસનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજોની જરૂર પડે છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ યોજનામાં આવક સંબંધિત માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. આપેલી માહિતી અનુસાર ગ્રામીણ વિસ્તાર માટે રૂ.27,000થી વધારે અને શહેરી વિસ્તાર માટે રૂ.36,000થી વધારે આવક હોવી જરૂરી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ‘શેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ’ હેઠળ પણ હજારો બાળકોને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2025-26માં આ યોજના હેઠળ 5,440 બાળકોને રૂ.1.86 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, જ્યારે એપ્રિલ 2026થી ઓગસ્ટ 2026 દરમિયાન 5,540 બાળકોને રૂ.3.87 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હોવાનું રાજ્ય સરકારના આંકડામાં જણાવાયું છે.
આ યોજના શેરો પોઝિટિવ ઇલનેસના કારણે અનાથ કે નિરાધાર બનેલા તેમજ શેરો પોઝિટિવ ઇલનેસ ધરાવતા બાળકોના અભ્યાસ અને જીવનઘડતરમાં મદદરૂપ થવાના હેતુથી અમલમાં છે. યોજના અંતર્ગત પાત્ર બાળકોને વર્ષમાં એક વખત તેમના અભ્યાસના ધોરણ પ્રમાણે રૂ.5,000થી રૂ.25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
બાળ કલ્યાણ સાથે રાજ્ય સરકારે પાલક માતા-પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લઈ રહેલી દીકરીઓ માટે લગ્ન સમયે આર્થિક સહાયની જોગવાઈ પણ કરી છે. આ યોજના હેઠળ 18 વર્ષ પૂર્ણ કરેલી પાત્ર લાભાર્થી દીકરીને લગ્ન સમયે એક વખત રૂ.2 લાખની સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ વર્ષ 2025-26 દરમિયાન 406 દીકરીઓને કુલ રૂ.8.12 કરોડની સહાય આપવામાં આવી હતી. જ્યારે એપ્રિલ 2026થી ઓગસ્ટ 2026 સુધીમાં વધુ 215 દીકરીઓને રૂ.4.30 કરોડની આર્થિક સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
લાભાર્થી દીકરીઓ માટેની લગ્ન સહાય યોજના 1 એપ્રિલ, 2023થી ગુજરાતમાં અમલમાં છે. 1 એપ્રિલ, 2023ના રોજ અથવા ત્યારબાદ લગ્ન કરનાર પાત્ર લાભાર્થી દીકરીઓ આ સહાય મેળવી શકે છે. યોજના હેઠળ રૂ.2 લાખની સહાય જીવનમાં એક જ વખત આપવામાં આવે છે અને લાભાર્થીએ લગ્ન થયાની તારીખથી બે વર્ષની અંદર અરજી કરવાની રહે છે.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે આ વિવિધ યોજનાઓનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર અને અન્ય જરૂરિયાતમંદ બાળકોને આર્થિક મુશ્કેલીઓના કારણે શિક્ષણ અને વિકાસની તકોમાંથી વંચિત ન રહેવા દેવાનો છે. આર્થિક સહાય, શિષ્યવૃત્તિ અને લગ્ન સમયે સહાય જેવા અલગ-અલગ તબક્કે મળતા લાભ દ્વારા બાળકો અને યુવાનોને સામાજિક સુરક્ષાનું માળખું પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


