ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડીરાત્રે બોલાવેલી હાઈલેવલ બેઠકમાં સાયબર ગુનેગારો ઉપર તુટી પડવા આદેશ
ગુજરાતમાં આજથી ઓપરેશન ‘મ્યૂલ હંટ 2.0’ : પોલીસ તંત્રમાં ભારે દોડધામ
(બ્યુરો) ગાંધીનગર તા.2
ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગ્રાફને નાથવા અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગના મૂળિયાં ઉખેડી નાખવા માટે રાજ્ય સરકારે ગત મધરાત્રે એક અત્યંત મોટો અને આક્રમક ર્નિણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા ર્નિણય મુજબ આજથી એટલે કે 2 જૂન, 2026થી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ (Operation Mule Hunt 2.0) લોન્ચ કરીને સાયબર ગુનેગારો વિરૂદ્ધ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે.
ગૃહ મંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાત્રીની હાઈલેવલ બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રાજ્યના પોલીસ વડા (DGP) સહિતના તમામ ટોચના પોલીસ અધિકારીઓ તાબડતોબ સચિવાલય ખાતે દોડી આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો, રેન્જ આઈજી, ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાઓ સહિતના તમામ અધિકારીઓ મધરાત્રે લાઈવ જોડાયા હતા અને પોતપોતાના જિલ્લાની વર્તમાન સુરક્ષા સ્થિતિ તેમજ સાયબર ક્રાઈમના કેસોનો ચિતાર ગૃહ મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ બેઠકનો મુખ્ય એજન્ડા ડિજિટલ સુરક્ષા અને સાયબર માફિયાઓ પર ત્રાટકવાનો હતો. સામાન્ય રીતે સાયબર ગુનેગારો ગરીબ કે લાલચુ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે રાખીને (જેને સાયબર પરિભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ‘ કહેવાય છે) તેમાં છેતરપિંડીના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરતા હોય છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા છે કે, સાયબર ક્રાઈમના પૈસા જે બેંક એકાઉન્ટ્સમાં જમા થાય છે, એવા તમામ શંકાસ્પદ ભાડે આપેલા એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેસ કરવામાં આવે.
આ મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી ગુના આચરનારા અસલી માસ્ટરમાઈન્ડ અને આંતરરાષ્ટ્રીય લિંક્સ સુધી પહોંચીને આખું નેટવર્ક તોડી પાડવામાં આવે. સાયબર ઠગાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે.


