ઘરેલુ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.૬૦નો વધારો ઝીંકાયો
યુધ્ધની અસર રસોડા સુધી પહોંચી : કોમર્શિયલ સિલીન્ડરના ભાવમાં પણ રૂા.૧૧પનો વધારો
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭
કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર ૬૦ રૂપિયા મોંઘો કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામનો LPG ગેસ હવે ૯૧૩ રૂપિયામાં મળશે. પહેલા તે ૮૫૩ રૂપિયાનો હતો. જ્યારે ૧૯ કિલોગ્રામના કોમશિર્યલ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે હવે ૧૮૮૩ રૂપિયામાં મળશે. વધેલી કિંમતો આજથી જ લાગુ પડશે.
સરકારે ગેસના ભાવમાં વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધને કારણે દેશમાં ગેસની અછતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે.
મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ જ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ આદેશ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરીઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રાંધણ ગેસ બનાવવા માટે કરશે. તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેનનો સપ્લાય સરકારી તેલ કંપનીઓને કરવો પડશે. સરકારી તેલ કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL)નો સમાવેશ થાય છે. તેનો હેતુ ગ્રાહકોને ગેસ સિલિન્ડરનો અવિરત પુરવઠો પૂરો પાડવાનો છે.


