ચાંદી જ ચાંદી... ભાવ રૂા.૩ લાખને પાર

સોના-ચાંદીના ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા જ્યારે શેર બજારમાં કડાકો

ચાંદી જ ચાંદી... ભાવ રૂા.૩ લાખને પાર

(બ્યુરો)            રાજકોટ, તા.૧૯
ઇરાન પર અમેરિકી આક્રમણના ભણકારા તથા ગ્રીનલેન્ડ મામલે અમેરિકા-યુરોપના દેશો સામસામા આવી ગયાના ઘટનાક્રમે ફરી વખત સોના-ચાંદીને વધુ સળગાવ્યા છે, જ્યારે શેરબજારમાં કડાકો નોંધાયો છે. ચાંદીનો ભાવ ત્રણ લાખને 
પાર થયો છે સોનુ પણ નવી ઉંચાઇએ પહોંચ્યું છે.
રાજકોટમાં આજે હાજર ચાંદીનો ભાવ ત્રણ લાખને પાર થઇને નવી ટોચે પહોંચ્યો હતો. હાજર ભાવ ૩,૦૦,૫૦૦ થયો હતો. કોમોડીટી એક્સચેંજમાં ભાવ ઉંચામાં ૩૦૧૩૧૫ થઇને કુલ ૧૨૬૧૫ના ઉછાળાથી ૩૦૦૩૮૦ સાંપડ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ ૯૪.૦૮ ડોલર થઇને ૯૩.૮૫ ડોલર સાંપડ્યો હતો.
સોનામાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો. હાજર સોનુ ૧૪૮૩૫૦ થયું હતું. વિશ્વબજારમાં ૪૬૮૭ થઇને ૪૬૬૧ ડોલર હતું. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગ્રીનલેન્ડ કબ્જે કરવામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ટ્રમ્પે ૧૦ ટકા વધુ ટેરિફ ઝીંકી છે તેની સામે ડેનમાર્ક સહિતના દેશોએ વળતા હાકલા-પડકારા કરીને નવી ધરખમ ટેરિફ નાખવાની ચેતવણી ઉચ્ચારતા નવો ભડકો સર્જાવાના ભણકારાથી માર્કેટ પ્રભાવિત થયું છે. શેરબજારમાં કડાકો બોલી ગયો છે.