જૂનાગઢનાં ઉપરકોટ ખાતે શરૂ થયેલ ‘લાઈટ એન્ડ સાઉન્ડ-શો’ હાઉસફુલ - પ્રવાસીઓએ ઉત્સાહભેર માણ્યો
ઐતિહાસીક ધરોહર સમા ઉપરકોટનાં જીર્ણોધ્ધારને ૩ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી થઈ : ૧૮.પ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
જૂનાગઢ તા. ૩૦
ઐતિહાસીક નગરી જૂનાગઢની શાન સમા સુપ્રસિધ્ધ ઉપરકોટનાં કિલ્લાનું લોકાર્પણ થયાનાં ૩ વર્ષ દરમ્યાન ૧૮.પ લાખથી વધુ પ્રવાસીઓએ આ ઐતિહાસીક સ્થળની મુલાકાત લીધી અને અલૌકીક આનંદનો અનુભવ કરેલ છે.
જૂનાગઢ અને સોરઠનાં ઐતિહાસીક વારસાનાં સંસ્મરણોને જાણી-માણી અને ફરી ફરીને ઉપરકોટની મુલાકાતે આવવા માટે તત્પર હોવાનું પ્રવાસી જનતા જણાવી રહી છે. દરમ્યાન તાજેતરમાં જ પ્રવાસી જનતાને નવુ જાણવા તેમજ સોરઠ અને સૌરાષ્ટ્રનાં ગૌરવંતા ઈતિહાસને માણી શકે તે માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવેલ છે. અને આ શો શરૂ થયાની સાથે જ પ્રવાસી જનતાએ તેને માણ્યો છે અને ભરપેટ તેના વખાણ કર્યા છે. ર૦ મીનીટમાં જ એક ગૌરવવંતા ઈતિહાસને માણવાનું પ્લેટફોર્મ ઉપરકોટે પુરૂ પાડયો છે તેવો ભાવ પણ વ્યકત કરવામાં આવ્યો છે. અને દરરોજ સાંજે ૭ વાગ્યે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવે છે. અને મોટાભાગે અત્યાર સુધીનાં શો હાઉસફુલ જ રહયા હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે હવે નવા અનુભવ અને આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે. કિલ્લાના ભવ્ય ઇતિહાસ અને જૂનાગઢની સમૃદ્ધ વિરાસતને રોચક રીતે પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોના માધ્યમથી પ્રવાસીઓ ઇતિહાસને નવા અને આકર્ષક અંદાજમાં જાણી શકે છે. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે બે નવી ગોલ્ફ કાર્ટ પણ ખરીદવામાં આવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને પરિવાર સાથે આવતા પ્રવાસીઓને કિલ્લાની મુલાકાત દરમ્યાન વધુ સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. સવાણી હેરીટેજનાં રાજેશભાઈ તોતલાણીએ આ અંગેની વિસ્તૃત વિગતો પણ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષ દરમ્યાન પ્રવાસીઓના મનોરંજન માટે લગભગ ૪૦ વિવિધ કાર્યક્રમો અને એક્ટિવિટીઝ યોજવાની યોજના છે. હેતુ માત્ર ઐતિહાસિક સ્થળની મુલાકાત પૂરતો નહીં પરંતુ પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવાનો છે. પ્રવાસીઓને વધુ સારી સેવા મળી રહે તે માટે કિલ્લાના સ્ટાફની ટ્રેનિંગ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્ટાફને કસ્ટમર સવિર્સ અને વિઝિટર હેન્ડલિંગની તાલીમ આપવામાં આવે છે. સાથે જ હેલ્થ એન્ડ સેફટી, ફર્સ્ટ એઈડ તેમજ ફાયર સેફ્ટી અંગે પણ નિયમિત તાલીમ અને અવેરનેસ એક્ટિવિટી યોજવામાં આવે છે.
ઉપરકોટ સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના રાજેશભાઈ તોતલાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક ઉપેરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર પછી પ્રવાસીઓ માટે ખુલેલા ૩ વર્ષ પૂર્ણ થયા છે. આ ૩ વર્ષોમાં આપણો પ્રયાસ રહ્યો છે કે અહીં આવનાર દરેક પ્રવાસીને ઉપેરકોટના ગૌરવશાળી ઇતિહાસની સાથે એક બેહતર અને યાદગાર અનુભવ પ્રાપ્ત થાય.
ગત ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો એક પ્રીવિયુ શો રાખવામાં આવ્યો હતો, જેનાથી જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ઉપરકોટના ઇતિહાસને રોચક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.પ્રવાસીઓની ક્વેરીઝ સોલ્વ કરી તેમને બેહતર સુવિધાઓ આપવાનો અમારો ઉદ્દેશ્ય છે. આ વર્ષે બે નવી ગોલ્ફ કાર્ટ ખરીદવામાં આવી છે તેમજ તા. ૨૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી ૪૦ જેટલી ઇવેન્ટસનો કાર્યક્રમ પણ યોજાઈ રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢનાં ઐતિહાસીક ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર બાદ રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને ૩ વર્ષ પૂરા થતા ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ૩ વર્ષમાં ૧૮.૫ લાખથી વધુ પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લઈ અને એક ઐતિહાસીક સ્થળની મુલાકાતનો આનંદ માણ્યો છે. અને વારંવાર આ ઐતિહાસીક સ્થળની મુલાકાતે આવવાનું મન પણ બનાવી લીધુ છે. દરમ્યાન ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે પ્રવાસીઓના મનોરંજન માટે પપેટ શો, કારાઓકે, કેક કટિંગ અને મેજિકલ શોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. અને પ્રવાસીઓને અલૌકીક મુલાકાત અને આનંદનો અનુભવ થયો હતો. ઉપરકોટ ખાતે દેશભરનાં પ્રવાસી જનતા વધુને વધુ આવી રહે અને તેમને ખુબ જ સારી સુવિધા આપી શકાય તે માટે સવાણી હેરીટેજ પ્રા. લી. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.


