જૂનાગઢમાં પોલીસનું સઘન ચેકીંગ - જાહેરનામાનો ભંગ કરનાર ૧૪ હોટલ સંચાલકો સામે ગુનો દાખલ

જૂનાગઢમાં પોલીસનું સઘન ચેકીંગ - જાહેરનામાનો ભંગ કરનાર ૧૪ હોટલ સંચાલકો સામે ગુનો દાખલ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ શહેરમાં આગામી દિવાળી પર્વ અને ત્યાર બાદ ગરવા ગિરનારની લીલી પરિક્રમા યોજાનાર છે ત્યારે આ તહેવારોના સમયગાળા દરમ્યાન શાંતિપુર્ણ માહોલ બની રહે તે માટે તંત્ર સાબદુ બન્યું છે આ ઉપરાંત જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ તકેદારીના પગલારૂપ એકશનમોડમાં આવી ગયેલ છે અને શહેરમાં હોટલોમાં ચેકીંગ કરવામાં આવી રહયું છે જેમાં ઓનલાઈન એન્ટ્રી, રજીસ્ટર ચકાસણી તેમજ શંકાસ્પદ લોકો અંગે તપાસની કામગીરી આ ઉપરાંત જાહેરનામાનો અમલ થાય છે કે નહી તેમજ હોટલમાં રોકાતા પ્રવાસીઓના આઈડી પ્રુફની ચકાસણી થાય છે કે તેમ ? સીસીટીવી ચાલુ છે કે નહી ? તે તમામ બાબતો ચેકીંગ હાથ ધરવામાં આવતા જૂનાગઢ શહેરની ૧૪ હોટલોના સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવતા હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર તહેવારોના દિવસોમાં જૂનાગઢ શહેરમાં બહારગામથી આવતા પ્રવાસીઓનો સતત ધસારો રહેશે ત્યારે સાવચેતીના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ શહેર અને જીલ્લામાં પોલીસ ટીમો દ્વારા હોટલોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન બી ડીવીઝન પોલીસે સત્યમ ગેસ્ટ હાઉસના વિરાજ પરસોતમ પરમાર, હોટલ વેલ માઉન્ટના કુશાલસિંહ પ્રેમસીંગ રાવત, હોટલ વિશાલાના અજય જેન્તી દવે, હોટલ રોયલ પેલેસના અશોક ચીમન વાછાણી, હોટલ લેક વ્યુના હર્ષ હીતેષ રૂપારેલીયા, હોટલ રોયલના સ્નેહાબેન કિશોરભાઈ જેઠવા, હોટલ પીકનીકના જયદીપ રામસી ચાવડા, હોટલ પારસના જીગ્નેશ સતીષ રાઠોડ, શ્રીરામ ગેસ્ટ હાઉસના રણમલ અરજણ સીસોદીયા, હોટલ મધુવંતના પીનાકીન ઉર્ફે પીન્ટુ ચીમનલાલ અધ્યારૂ, આનંદ હોટલના દેવરાજ પંકજ અગ્રાવત, હોટલ મોનાર્કના રાજુ અરજણ ઓડેદરા, અને હોટલ અક્ષર પેલેસના અશ્વિન ચંદુ રાખોલીયા અને હોટલ પ્લેટીનીયમના દિપક નરેન્દ્ર રાઠોડ વિરૂધ્ધ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધાયો છે.