જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન નજીક ૪ સિંહનાં આંટાફેરા

અશોક શિલાલેખની દીવાલ પર ચડીને મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થયા

જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન નજીક ૪ સિંહનાં આંટાફેરા

જૂનાગઢ તા.૮
જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારમાં ૫૪થી વધુ સિંહોનો કાયમી વસવાટ હોવાથી ખોરાકની શોધમાં અવારનવાર રેવન્યુ તેમજ રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. દરમ્યાન અશોક શિલાલેખ નજીક આવેલા સોનાપુરી સ્મશાન ચોક નજીક રાત્રિના સમયે ચાર સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ અંગે મળતી વિગત અનુસાર વાઇરલ સીસીટીવી ફૂટેજમાં રાત્રિના ૧:૩૦ વાગ્યાના સુમારે સોનાપુરી વિસ્તારમાં આવેલી એક દુકાનની બહાર દુકાનદાર ભરઉંઘમાં સૂતેલો જાેવા મળે છે. આ જ સમયે તેમની સાવ નજીકથી ચાર સિંહો કોઈ પણ ડર વગર શાંતિથી પસાર થાય છે. દુકાનદાર ગાઢ નિંદ્રામાં હોવાથી તેમને આ અંગે સહેજ પણ જાણ થઈ નહોતી. રાત્રિના આ સમયે રસ્તા પરથી વાહનચાલકોની અવરજવર પણ વીડિયોમાં જાેવા મળી રહી છે. સોનાપુરી સ્મશાન નજીક આંટાફેરા માર્યા બાદ આ ચારેય સિંહો અશોક શિલાલેખ નજીક પહોંચ્યા હતા અને ત્યાં આવેલી દીવાલ પર ચડીને મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા. અશોક શિલાલેખ અને સોનાપુરી ચોક જેવા વિસ્તારમાં સિંહો આવ્યાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સમયસૂચકતા દાખવીને ચારેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.