જૂનાગઢ જીલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ગરીબી રેખા હેઠળના પરિવારોને રોજગારી અને પ્રાથમિક સુવિધા મળે તેમજ પીવાના પાણીની આગામી સમયની સંભવિત જરૂરિયાતોનો એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના અપાઈ

જૂનાગઢ જીલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ, તા.૩૧
જૂનાગઢના પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કલેકટર યોગેશ ચૌધરી, ડીડીઓ જયંતસિંહ રાઠૌર, કમિશ્નર  આઈ.આર.વાળા, નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પીવાના પાણીની આગામી સમયની સંભવિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લાના ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો માટે રોજગારીની તકો અને યોજનાથી વંચિત ન રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું અને પરિવારોને પીએમ સ્વનિધિ જેવી દરેક યોજનાનો લાભ લેવા માટે અને દરેક યોજનાનું પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે સૂચના આપવામાં આવી હતી. જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે દરેક ટીબીયુક્ત દર્દીઓને જરૂરી સારવાર મળી રહે અને જિલ્લો  ટીબી મુક્ત બને તે માટે સર્વગ્રાહી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરી અને મેળવેલી સિદ્ધિઓ અંગેની પણ માહિતી આપી હતી. જિલ્લાના કુપોષિત બાળકો માટે પણ સમીક્ષા કરેલ ,જેમાં કુપોષિત બાળકોને યોગ્ય સારવાર મળે અને પોષણયુક્ત કીટ સંપૂર્ણ મળી રહે તે માટે આઇસીડીએસ શાખાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનાર ગિરનારની લીલી પરિક્રમામાં પીવાના પાણીની સમસ્યા અંગે સમીક્ષા કરેલ અને પરિક્રમામાં આવતા યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે અને જરૂર પડે શહેરમાં ઈમરજન્સી સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગને પણ માર્ગદર્શન આપ્યું હતું.