જીવનમાં અણધારી મુશ્કેલી આવે કે શારીરિક તકલીફ સર્જાય ત્યારે...સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનો હેતુ દિવ્યાંગો તેમજ વડીલોનો મુખ્ય સંવેદનશિલ સેતુ બની રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મેઘાણી રંગભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૧૧૭ વયોવૃદ્ધ નાગરિકોને રૂા.૧૮.૦૪ લાખની રકમના ૧,૧૧૭ સાધનોનું વિતરણ : મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવીને સ્ટેજ પરથી નીચે ઉતરી વડીલો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો
રાજકોટ તા.૩૦
જીવનમાં અણધારી મુશ્કેલી આવે કે શારીરિક તકલીફ સર્જાય ત્યારે સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનો હેતુ દિવ્યાંગો તેમજ વડીલોનો મુખ્ય સંવેદનશિલ સેતુ બની રહેશે તેમ રાજકોટના મેઘાણી રંગભવન ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના‘ અન્વયે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવીને એક સંવેદનાસભર કાર્યક્રમમાં સહભાગી બનતા જણાવ્યું હતું. આ તકે, સ્ટેજ પરથી નીચે ઉતરીને પોતે વડીલો પાસે જઈ તેમને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કર્યા બાદ મુખ્યમંત્રીએ સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં અણધારી મુશ્કેલી આવે કે શારીરિક તકલીફ સર્જાય ત્યારે કોઈ પણ માનવી દુખી અને નિરાશ થઈ જાય છે. આવા સમયે બધાનો સાથ-સહકાર હોય તો કપરો સમય પસાર થઈ જાય છે. એકબીજાનો સાથ-સહકાર જ આવી પીડાને હળવી કરી જીવનને સરળ બનાવે છે. સંતાનોનાં પોતાનાં માતા-પિતા પ્રત્યેનાં કર્તવ્યો વિશે વાત કરતા તેમણે વર્તમાન સમયમાં સમાજમાં સંતાનો દ્વારા માતા-પિતાની જવાબદારી ન લેવાનાં કિસ્સાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા આ પ્રકારનાં કાર્યક્રમો અને પહેલ સમાજને આ દિશામાં કામ કરવાની પ્રેરણા આપતા ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનો હેતુ દિવ્યાંગો તેમજ વડીલોને મુખ્ય પ્રવાહ સાથે જોડી રાખવાનો છે. આ તકે, મુખ્યમંત્રીએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રેરણાદાયી કાર્યક્રમો થકી આપણે જરૂરિયાતનાં સમયમાં એકબીજાને મદદરૂપ બને તેવા સંવેદનશીલ સમાજનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમાજનાં સર્વાંગી વિકાસનાં આગ્રહી છે ત્યારે સમાજનો કોઈ વર્ગ મુખ્ય પ્રવાહથી અલગ ન રહી જાય તેવા પ્રયાસોને બળ પૂરૂ પાડવા તેમણે ઉપસ્થિતજનોને આગ્રહ કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એવા "વિકસિત ભારત" અભિયાનમાં સહભાગી થવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ સહાયથી વડીલોની રોજબરોજની સમસ્યાઓ હળવી બનશે તે આપણા માટે આનંદની વાત છે. કેન્દ્ર સરકારની આ "વયોશ્રી યોજના" આપણા વડીલ નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે લાભદાયી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના પ્રયત્નોથી રંગીલા રાજકોટ શહેરને અનેક ભેટ-સોગાદો મળી છે. એઇમ્સથી લઈને વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં થયેલા રેકોર્ડબ્રેક એમ.ઓ.યુ.નો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં નવીન રોજગારીની તકો ઊભી થઈ છે અને રાજકોટના વિકાસને નવી ઊંચાઈ મળી છે. તેમણે રાજકોટને મોડેલ સિટી બનાવવાની દિશામાં તમામ નાગરિકોનો સહયોગ જરૂરી હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે ઉપસ્થિત વડીલોનાં ખબરઅંતર પૂછી તેમની સાથે સંવેદનાસભર સંવાદ પણ સાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેઘાણી રંગભવન ખાતે આજ રોજ યોજાયેલા આ વિતરણ સમારોહમાં અગાઉ યોજાયેલા એસેસમેન્ટ કેમ્પમાં નોંધણી કરાવનારા શહેરના ૧૧૭ વયોવૃદ્ધ નાગરિકોને રૂા.૧૮.૦૪ લાખની રકમના ૧,૧૧૭ સાધનો આપવામાં આવ્યા હતા. ૬૦ વર્ષથી વધુ વયના વયસ્કોને કમોડ ખુરશી, કમરના સપોર્ટ માટે પટ્ટા, કાનના મશીન સહિત વિવિધ સહાયક ઉપકરણો મળવાથી વૃદ્ધોને દૈનિક જીવનમાં સરળતા રહેશે અને અન્યો પરનું અવલંબન ઘટશે.


