દિપોત્સવીના તહેવારોમાં પર્યટન સ્થળો હાઉસફુલ : હોટલો દ્વારા ઉઘાડી લૂંટ : ભાડામાં ત્રણથી ચાર ગણો વધારો
(એજન્સી) નવી દિલ્હી તા.૧૮:
દિવાળીની પીક સીઝન ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી માટે ‘હોટ કેક‘ બની ગઈ છે. હાલમાં દિવાળીના લાંબા વેકેશન ઉપરાંત દિવાળીથી માંડીને રવિવાર સુધીની ૭ દિવસની રજાને પગલે આ વખતે વેકેશનમાં લોકલ અને ઈન્ટરનેશનલ ટૂર્સની ડિમાન્ડ જબરજસ્ત રીતે વધી છે. અમદાવાદીઓના પ્રિય એવા રાજસ્થાન, ગોવા, કાશ્મીર, કેરળ જેવા હોટ ફેવરિટ ડેસ્ટિનેશનો માટેના બુકિગ મેળવવાના ફાંફાં પડી રહ્યા છે. હોટેલમાલિકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો કરી નાખ્યો છે. ફલાઈટ્સની ટિકિટ પણ બેથી ત્રણ ગણી મોંઘી થઈ ગઈ છે જ્યારે પર્યટન સ્થળોની ટ્રેનો પણ હાઉસફૂલ છે, છતાં હરવા-ફરવાના શોખીનો ગમે તેટલો ખર્ચ કરીને પણ દિવાળીનું વેકેશન ફ્રેન્ડ્ઝ અને ફેમિલી સાથે માણવા તૈયારી કરી રહ્યા છે.ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, રાજસ્થાન, ગોવા, કેરળ, કાશ્મીર જેવા ગુજરાત બહારના રાજ્યોના પર્યટન સ્થળોની ડિમાન્ડ સૌથી વધુ છે. તે ઉપરાંત ગુજરાતમાં ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, નડાબેટ જેવા સ્થળોએ પણ હોટેલ્સના બુકિગમાં તેજી જોવા મળી રહી છે.


