નાક કપાયા પછી, જૂનાગઢ મનપા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું..! જૂનાગઢ શહેરનાં માર્ગોની મરામત માટે યુધ્ધનાં ધોરણે કામગીરી

બે દિવસમાં 3582 મીટર રસ્તાઓમાં પેચવર્કની કામગીરી કરાઈ

નાક કપાયા પછી, જૂનાગઢ મનપા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું..! જૂનાગઢ શહેરનાં માર્ગોની મરામત માટે યુધ્ધનાં ધોરણે કામગીરી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.4
શહેરમાં ચાલુ ચોમાસાની ઋતુમાં થયેલા વરસાદને પગલે નાગરિકોની સુવિધા માટે મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. વરસાદના કારણે ભૂગર્ભ ગટરનાં ચાલતા વિકાસ કામો, ટોરેન્ટ ગેસ, પાણીની લાઇનનાં ચાલતા વિકાસ કામો સત્વરે સરખા કરવા માટે યુદ્ધના ધોરણે મોટરેબલ અને પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૨ દિવસમાં મહાનગરપાલિકાની વોટર વર્કસ અને બાંધકામ શાખા દ્વારા સંયુક્ત રીતે કુલ 3528 મીટર લંબાઈના રસ્તાઓ પર 1365 ઘન મીટર (સી.યુ.એમ.) મટિરિયલના જથ્થા મારફતે રસ્તાઓને વાહન વ્યવહાર માટે યોગ્ય (મોટરેબલ) બનાવવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત બાંધકામ શાખા દ્વારા 1800 મીટર રોડ પર 565 સી.યુ.એમ. જથ્થો અને વોટર વર્ક્સ શાખા દ્વારા 1728 મીટર રોડ પર 800 સી.યુ.એમ. જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરમાં હજુ પણ જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઝડપથી પેચ વર્ક અને રોડ મોટરેબલ કરી શકાય તે માટે વોર્ડ નં. 1 થી 15 માં ર્વાષિક ભાવના 6-(છ) કોન્ટ્રાક્ટરો તેમજ જુદા-જુદા પ્રોજેક્ટના અન્ય 10 (દસ) કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ ભવિષ્યની કામગીરી માટે મહાનગરપાલિકા પાસે કુલ 3207 સી.યુ.એમ. મટિરિયલનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે, જેમાં બાંધકામ શાખા હસ્તક 1007 સી.યુ.એમ. અને વોટર વર્ક્સ શાખા હસ્તક 2200 સી.યુ.એમ. મટિરિયલ સામેલ છે.જૂનાગઢ મહાનગરપાલિકા ચોમાસા દરમિયાન શહેરના રાજમાર્ગો અને આંતરિક રસ્તાઓ પર નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત કાર્યશીલ છે. રોડ - રસ્તા રીપેરીંગની સાથે ચોમાસામાં પાણી ભરાવવાની કે ગટર ચોકઅપ થવાની સમસ્યા નિવારવા માટે સેનીટેશન શાખા દ્વારા પણ સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સેનીટેશન વિભાગ દ્વારા શરૂઆતથી આજદિન સુધીમાં શહેરના તમામ 15 વોર્ડમાં વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં જેટીંગ મશીન દ્વારા કુલ 3,854 મેનહોલની સફાઈ અને 8,264 જગ્યાઓ પર રૂટીન ગટર સફાઈ મળીને કુલ 12,118 જગ્યાઓ પર સફાઈ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે તેમ યાદીમાં જણાવાયું છે.