ન્યૂયોર્કમાં ભાગવતના કાર્યક્રમ પહેલા ખાલીસ્તાનીઓએ તિરંગો ફાડયો
રિજિજુએ કહ્યું આ બહુ મોંઘુ પડશે - સંઘ, ભાજપની ટીકા કરો પરંતુ તિરંગાનું અપમાન નહીં
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧:
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ન્યૂયોર્કમાં RSS પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ સ્થળની બહાર ભારતીય ધ્વજના અપમાન અંગે સખત પ્રતિક્રિયા આપી છે. આ પ્રદર્શન ગત શનિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર થયું હતું.
રિજિજુએ રવિવારે રાત્રે X પર ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું- અમે હંમેશા કહ્યું છે કે RSS, BJP કે સરકારની ટીકા કરવાની આઝાદી છે, પરંતુ અમારા ધ્વજ અને મારા દેશનું અપમાન ન કરો. આ ખૂબ મોંઘું પડશે.
રિજિજુ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મેડિસન સ્ક્વેરની બહાર એક પ્રદર્શનકારી ભારતીય ધ્વજને પોતાના પગમાં બાંધીને અપમાન કરતો જોવા મળ્યો હતો. પછી કેટલાક અન્ય પ્રદર્શનકારીઓએ તિરંગાના ઘણા ટુકડા કરી દીધા. પછી ખાલિસ્તાન સમર્થક નારા પણ લગાવ્યા.
શનિવારે મેડિસન સ્ક્વેરમાં આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમમાં ૬,૦૦૦થી વધુ ભારતીય-અમેરિકન અને વિવિધ ધર્મોના નેતાઓ સામેલ થયા. ભાગવતે પોતાના સંબોધનમાં વિવિધતામાં એકતાને ભારતના DNAનો ભાગ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું- વિચારવાની ક્ષમતા મનુષ્ય માટે એક વરદાન છે. સાચી વિચારસરણી મનુષ્યને ભગવાનની નજીક લઈ જાય છે, જ્યારે ખોટી વિચારસરણી તેને પ્રાણીઓની નજીક લઈ જાય છે.


