ભવનાથમાં રવિવારે ટ્રાફિક પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી : રૂા.૧૦ હજારનો દંડ વસુલ્યો

ભવનાથમાં રવિવારે ટ્રાફિક પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૨૮
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજા હોવાથી ગઈકાલે ગિરનાર ભવનાથ તળેટી વિસ્તારમાં સ્થાનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક જામ ન સર્જાય તે હેતુથી પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં અશોક શિલાલેખ અને ભવનાથ તળેટી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન કેટલીક ખાનગી ફોર વ્હીલર કાર પર બિનઅધિકૃત રીતે લગાવવામાં આવેલા ‘પોલીસ’ તેમજ ‘ઁય્ફઝ્રન્’ લખેલા રોફ મારતા બોર્ડ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમ વિરૂદ્ધ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ અને સામે આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય તેવી તેજસ્વી ન્ઈડ્ઢ લાઇટો લગાવનારા વાહનચાલકો સામે પણ કડક હાથે પગલાં લેવામાં આવ્યા હતા. આ ડ્રાઇવ દરમ્યાન ટુ-વ્હીલર અને બાઇક ચાલકો પાસે વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને પીયુસીની ચકાસણી કરવામાં આવી હતી. જરૂરી કાગળો ન ધરાવતા તેમજ હેલ્મેટ અને નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારા ચાલકો પાસેથી કુલ રૂા.૧૦,૦૦૦ જેટલી રોકડ રકમ દંડ પેટે વસૂલ કરી હતી. આ સઘન ટ્રાફિક ડ્રાઇવનું સંચાલન ટ્રાફિક પીએસઆઈ સંજયસિંહ જાડેજાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ગેરકાયદે રોફ મારતા અને ટ્રાફિક નિયમોનો અનાદર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, જ્યારે નિયમબદ્ધ વાહન ચલાવતા જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી.