મુંબઈમાં પરવાનગી વિના મોરચો કાઢવા સબબ રાજ-ઉદ્ધવ ઠાકરે વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઈ
(એજન્સી) મુંબઈ, તા. ૫ :
મુંબઈનાં આઝાદ મેદાન પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ યોજાયેલાં વિરાટ ગર્જના મોરચાના આયોજકો સામે FIR નોંધાય છે.
મુંબઈ પોલીસનાં જણાવ્યાં અનુસાર, રવિવારે યોજાયેલાં આ વિરોધ પ્રદર્શન અને મોરચા માટે પોલીસ પાસેથી જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
આ વિશાળ મોરચાને મહારાષ્ટ્રમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાનો વિરોધ કરવા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવા અને ચૂંટણી પંચની કામગીરી સામે અવાજ ઉઠાવવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું.રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ નીકળેલાં આ મોરચામાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. આ સરઘસ બાદમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય બહાર એક જાહેર સભામાં ફેરવાઈ ગયું હતું.


