યુપીમાં વાવાઝોડા, આંધી, ભારે વરસાદથી ૯૬ના મોત
(એજન્સી) લખનૌ તા.14
દેશના અનેક વિસ્તારોના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમ્યાન પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાજ્યમાં આવેલા ભયંકર વાવાઝોડા, મુશળધાર વરસાદ અને કરા પડવાના કારણે ભારે જાનહાનિ થઈ છે. વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯૬ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 38 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બુધવારે ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં જાનમાલનું ભારે નુકશાન થયું છે. હવામાનમાં અચાનક થયેલા ફેરફારથી ભદોહી જિલ્લામાં ભારે વિનાશ સર્જાયો હતો, જ્યાં ભારે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઘણી જગ્યાએ, વૃક્ષો ઉખડીને રસ્તાઓ પર પડી ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સ્થિતિ ઉભી થઇ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં, માટીના મકાનો અને ટીન શેડ ઉડી ગયા હતા, જ્યારે પાકને પણ ભારે નુકસાન થયું હતું. ભારે વરસાદ અને ધૂળના તોફાનને કારણે રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વૃક્ષો પડવાથી ઘણી જગ્યાએ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મૃતકોમાં ભદોહીમાં 18, મિર્ઝાપુરમાં 15, પ્રયાગરાજમાં 17, પ્રતાપગઢ અને બરેલીમાં 4-4, ફતેહપુરમાં 10, ઉન્નાવ અને બદાયૂંમાં 6-6, સીતાપુર, રાયબરેલી, ચંદૌલી, કાનપુર દેહાત, હરદોઈ અને સંભલમાં બે-બે અને કૌશાંબી, શાહજહાંપુર, સોનભદ્ર અને લખીમપુર ખેરીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
બરેલીમાં એક વ્યક્તિ પોતાના કાચા આવાસના પતરાનું છાપરૂ ઉડી ન જાય તે માટે મજબૂત રીતે પકડીને ઉભો હતો પણ હવાની પ્રચંડ તાકાતમાં તે છાપરા સાથે હવામાં ઉડયો હ્તો અને તે દ્રશ્ય વાયરલ થયુ છે તો અનેક સ્થળોએ વૃક્ષો તુટી પડતા મકાન-વાહનો દબાયા છે.


