વર્ષ ર૦૦૮ના અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો

૩૮ આરોપીને ફાંસી, ૧૧ને આજીવન કેદની સજા યથાવત

વર્ષ ર૦૦૮ના અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો

(બ્યુરો)         અમદાવાદ તા.૦૭
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી ૩૮ આરોપીને ફાંસી અને ૧૧ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. તે સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને રૂા.૫ લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી ચૂકવવા આદેશ કરાયો છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ આરોપીઓને ફાંસી અને ૧૧ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને ૪૮ આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા.
૨૬ જુલાઈ, ૨૦૦૮ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ ૨૦ સ્થળો પર થયેલા ૨૧ સિરિયલ બ્લાસ્ટમાં ૫૬ નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે જ ચુકાદો આપ્યો છે.
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી. DCP હર્ષદ પટેલ, સોલા PI, ગુજરાત યુનિવસિર્ટી PI સહિતનો ૧૨૦ પોલીસનો સ્ટાફ અને SRP તહેનાત કરાઈ હતી સાથે જ વીડિયોગ્રાફર પણ હાજર હતા. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટમાં તપાસ કરાઈ હતી.