‘સેવા સંકલ્પ અભિયાન’ના મહાયજ્ઞમાં આવાસ, આરોગ્ય, જળસંચય, સ્વચ્છતા અને પર્યાવરણના માધ્યમથી રાષ્ટ્રની ઉન્નતિનો નવો અધ્યાય લખાશે : મંત્રી કુંવરજી બાવળીયા 

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરાયું : સેવાસેતુ કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓના દાખલા, પ્રમાણપત્ર તેમજ અન્ય સેવાકીય લાભો મેળવતા નગરજનો

‘સેવા સંકલ્પ અભિયાન’ના મહાયજ્ઞમાં આવાસ, આરોગ્ય, જળસંચય, સ્વચ્છતા અને પર્યાવરણના માધ્યમથી રાષ્ટ્રની ઉન્નતિનો નવો અધ્યાય લખાશે : મંત્રી કુંવરજી બાવળીયા 

રાજકોટ તા.ર૩
રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે સેવાસેતુ ૨.૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી બાવળીયાએ આ પ્રસંગે ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં લોકકલ્યાણના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવાસેતુના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ રાજ્ય સરકાર દ્વારા ઘરઆંગણે જ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રના માધ્યમથી એક પણ લાભાર્થી રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સામે ચાલીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. એક માસ સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ના મહાયજ્ઞમાં આવાસ, આરોગ્ય, જળસંચય, સ્વચ્છતા અને પર્યાવરણના માધ્યમથી રાષ્ટ્રની ઉન્નતિનો નવો અધ્યાય લખાશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સહિત ૫૦ જેટલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.