ઈરાન વિરૂધ્ધ અમેરીકા-ઈઝરાયલ યુધ્ધથી વિશ્વની અર્થવ્યવસ્થાને મરણતોલ ફટકો ક્રુડ તેલ ૧ર૦ ડોલરે પહોંચ્યું : સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટનો કડાકો

યુધ્ધે મુંબઈ શેરબજારની પથારી ફેરવી નાંખી : રૂા.પ૬ લાખ કરોડ સ્વાહા : દર બીજાે શેર બાવન સપ્તાહના તળીયે પહોંચ્યો

ઈરાન વિરૂધ્ધ અમેરીકા-ઈઝરાયલ યુધ્ધથી વિશ્વની અર્થવ્યવસ્થાને મરણતોલ ફટકો ક્રુડ તેલ ૧ર૦ ડોલરે પહોંચ્યું : સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટનો કડાકો

(એજન્સી)          મુંબઈ, તા.૩૦
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભીષણ યુધ્ધ વધુને વધુ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે ત્યારે ક્રુડતેલમાં તેજીનો દોર સતત ચાલુ રહ્યો છે. આજે વિશ્વબજારમાં ક્રુડ તેલનો ભાવ 120 ડોલરની નજીક પહોંચી ગયો છે. ભારત સહિત વિશ્વભરના દેશો પર મોંઘવારી સહિતનો ખતરો વધતો રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
યુધ્ધની અસરે ક્રુડતેલની સપ્લાય મોટા પ્રમાણમાં પ્રભાવિત થઇ છે. ઇરાને હોર્મુઝ ખાડીમાંથી જ્હાજોની અવર-જવર નિયંત્રીત કરી દીધી છે અને ક્રુડ ભરેલા જહાજો પસાર થવા દેવાતા નથી પરિણામે ભારત સહિતના દેશોમાં પેટ્રોલીયમ મોરચે ચિંતાભરી સ્થિતિ સર્જાઇ ગઈ છે. સરકાર દ્વારા પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારને ભારે હચમચાવી નાખ્યું છે. માર્ચમાં બજારની નબળાઈ એટલી ગંભીર છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ અડધાથી વધુ શેર એક વર્ષમાં તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતો. ચિંતાજનક રીતે, પાંચમાંથી એક શેર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ ઘટાડો ફક્ત નાના શેરો પૂરતો મર્યાદિત નથી; વિશ્વસનીય ગણાતા A અને B જૂથોના લગભગ 1,000 શેરો પણ પ્રભાવિત થયા છે. BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ 2024માં તેની ટોચથી રૂા.56 લાખ કરોડ ઘટ્યું છે. BSE પર સક્રિય રીતે લિસ્ટેડ 4,270 શેરોમાંથી, 2,234 આ મહિને તેમના ૫૨-અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયા છે. 2026 ની શરૂઆતથી નિફટી અને સેન્સેક્સમાં આશરે 12%નો ઘટાડો થયો છે. વિશ્લેષકો કહે છે કે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારત માટે સૌથી મોટો પડકાર છે.