ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં કેસરીયો લહેરાયો ભાજપને ૩૮, કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી
ગાંધીનગર તા.૧૩:
ગાંધીનગર મહાનગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની ૩૮, કોંગ્રેસની ૫ અને અપક્ષની ૧ બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ ૫૯.૨૫% મતદાન નોંધાયું, જેમાં કુલ ૨,૫૯,૯૮૫ નોંધાયેલા મતદારોમાંથી ૧,૫૪,૦૪૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં ભાજપે તમામ ૪-૪ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપને ૩ બેઠકો મળી છે અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર ૭માં ભાજપને ૩ બેઠકો અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી. રાજયમાં અન્ય કેટલીક નગરપાલીકાઓની પેટા ચૂંટણી યોજાઈ હતી. મતગણતરી પણ ચાલુ છે જેમાં ઓખા નગરપાલીકાની ૩૬માંથી ૩૩ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી છે.


