ચીનથી આવી રહેલું ઈરાનનુ જહાજ અમેરીકાએ કબ્જે કરતા યુધ્ધવિરામ તુટયો
વોશીંગ્ટન તા.૨૦:
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વચ્ચે, અમેરિકાએ હવે એક ઈરાની જહાજ પર હુમલો કરીને તેને કબજે કર્યું છે. આ તણાવને વધુ વધારી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાની જહાજને ઓમાનના અખાતમાં નિશાન બનાવવામાં આવ્યું હતું અને હવે તે અમેરિકાના નિયંત્રણમાં છે. ટ્રમ્પના મતે, જહાજ હોર્મુઝ નજીક અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું. ઈરાન હવે ખૂબ રોષે ભરાયું છે અને તેણે કડક જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.
અગાઉ, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે અમેરિકાના માર્ગદશિર્ત મિસાઈલ વિનાશક યુએસએસ સ્પ્રુઅન્સે ઈરાની જહાજને રોકવાની ચેતવણી આપી હતી. જો કે, જ્યારે ઈરાની ક્રૂએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે અમેરિકન જહાજે તેના એન્જિન રૂમને નિશાન બનાવ્યો અને તેને અટકાવ્યો. ઈરાની જહાજનું નામ તુસ્કા હોવાનું કહેવાય છે. તે આશરે 900 ફૂટ લાંબુ છે અને તેનું વજન લગભગ એક વિમાનવાહક જહાજ જેટલું છે. હાલમાં, આ જહાજ યુએસ નૌકાદળના નિયંત્રણ હેઠળ છે. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું, ટસ્કા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે યુએસ પ્રતિબંધો હેઠળ છે. તે હવે સંપૂર્ણપણે અમારા નિયંત્રણ હેઠળ છે, અને અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમાં શું લોડ થયેલ છે!


