જૂનાગઢ શહેરને મળશે મોટી રાહત: ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનને રેલવે બોર્ડની મંજૂરી
સમપાર ફાટકો પર થતા દૈનિક ટ્રાફિક જામમાંથી નાગરિકોને મળશે કાયમી મુક્તિ
જૂનાગઢ , તા. 26
જૂનાગઢ શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવી રહેલી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વિસાવદર–જૂનાગઢ મીટર ગેજ વિભાગમાં ગ્રોફેડ વિસ્તારમાં નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે.
શહેર વચ્ચેથી પસાર થતી મીટર ગેજ લાઇન કાયમી બંધ થશે
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રોફેડ સ્ટેશન કાર્યરત થયા બાદ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો અંદાજે ૪.૨ કિલોમીટર લાંબો મીટર ગેજ રેલવે ટ્રેક કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. હાલ આ ટ્રેક શહેરના ઘનવસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના કારણે ૭ સમપાર ફાટકો લાંબા સમય સુધી બંધ રહેતા હોવાથી શહેરમાં વારંવાર ભારે ટ્રાફિક જામ સર્જાય છે.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ શહેરની અંદરના તમામ 7 સમપાર ફાટકો દૂર થઈ જશે, જેના કારણે જૂનાગઢ શહેરને વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
- નાગરિકોને મળનારા મુખ્ય લાભો
ટ્રાફિક જામમાંથી રાહત
મીટર ગેજ લાઇન બંધ થતાં શહેરની અંદરના તમામ ૭ સમપાર ફાટકો દૂર થશે. તેના કારણે નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, ઓફિસ જતાં કર્મચારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને વારંવાર થતા ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે.
અકસ્માતોમાં ઘટાડો
ઘનવસ્તી ધરાવતા વિસ્તારોમાંથી સમપાર ફાટકો દૂર થતાં માર્ગ અને રેલવે અકસ્માતોની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
રેલવે કામગીરીમાં સુધારો
સમપાર ફાટકોના સંચાલન અને જાળવણીમાં જોડાયેલા રેલવે કર્મચારીઓની સેવાઓનો ઉપયોગ હવે અન્ય કામગીરીમાં વધુ અસરકારક રીતે થઈ શકશે.
ઇ-બસ સેવા શરૂ કરવાની યોજના
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા ગ્રોફેડ સ્ટેશન અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જેથી મીટર ગેજ મુસાફરોને બ્રોડ ગેજ ટ્રેનો તેમજ શહેરના અન્ય વિસ્તારો સુધી સરળ અને સુવિધાજનક જોડાણ મળી રહેશે.
રેલવે સુવિધાઓનું વિસ્તરણ
હાલના જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજ કામગીરી બંધ થયા બાદ ઉપલબ્ધ થતી જમીનનો ઉપયોગ બ્રોડ ગેજ યાર્ડ તથા અન્ય રેલવે સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે.
રેલવેની આ પહેલને કામગીરીની જરૂરિયાત અને નાગરિક સુવિધા બંને વચ્ચે સંતુલન સાધતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી માત્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો નહીં થાય, પરંતુ જૂનાગઢના શહેરી વિકાસને પણ નવી દિશા મળશે.


