જૂનાગઢમાં કરોડોનાં ખર્ચે ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં લોલમલોલ : સંકલનના અભાવે ચેમ્બરોની પથારી ફેરવી નાખી
રસ્તા અને ગટરની કામગીરીમાં કરાતી બેદરકારી સામે વિપક્ષ નેતાનાં ગંભીર આક્ષેપો
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરમાં કરોડોનાં ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી ઘણા લાંબા સમય થયા સતત ચાલી રહી છે અને હજુપણ આ કામગીરી અંતર્ગત વધુ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગતની કામગીરી પુરી કરી અને કોર્પોરેશનને હજુ સોંપવામાં પણ આવી નથી ત્યાં જ શહેરનાં ભૂગર્ભ ગટર યોજનાનાં કામોમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું બહાર આવેલ છે. રૂા. પ૦ હજારથી લઈનેે ૧ લાખ સુધીનો અંદાજીત ખર્ચ કરી અને જે ચેમ્બરો બનાવવામાં આવી હોય તે ચેમ્બરોની સંકલનનાં અભાવે તેમજ બેદરકારીને કારણે પથારી ફેરવી નાખી હોય તેવું બહાર આવતા આવી ઢંગધડા વગરની કામગીરી સામે ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા રસ્તાના કામો કે ભૂગર્ભ ગટર યોજનાનાં કામોને વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક કરવામાં આવે તો કરેલો ખર્ચ લેખે લાગે તેમ છે.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અંતર્ગત કરોડોનો ખર્ચ કરવામાં આવી રહયો છે. આ કામગીરી અંતર્ગત અનેક સ્થળે કામો હજુ અધુરા છે તેમજ તાજેતરમાં જ રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધી ભૂગર્ભ ગટર ફેઝ-રની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાં જ અન્ય વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરીમાં જે ચેમ્બર મુકવામાં આવી છે તેમાં માત્ર ૮ ઈંચનાં પાઈપમાં ઈંટોનાં કટકા અને મટીરીયલ ભરાઈ જતાં તમામ લાઈનો બ્લોક થઈ ગઈ છે જેને લઈને ફરીથી આ લાઈન ખોલી ચેમ્બરો સાફ કરવી પડે તેમ છે. જયારે પણ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય ત્યારે સફાઈનું પણ ધ્યાન રાખવું જાેઈએ તેમજ ચેમ્બરમાં કચરો ભરાતો હોય તો તેને દુર કરવા વ્યવસ્થિત સફાઈ કરવી જાેઈએ પરંતુ જે તે વિભાગોમાં સંકલનનો અભાવ હોવાને કારણે ચેમ્બરોની અવદશા થાય છે અ બાબતે વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ તિવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મનપાનાં વિવિધ વિભાગો વચ્ચેનાં કોઈપણ પ્રકારનાં સંકલન વિના ચાલતા કામોને લીધે ભૂગર્ભ ગટર અને નવો રોડ બંને યોજનાઓ ફેલ સાબીત થાય છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેવો આક્ષેપ કર્યો હતો.


