પેપરલીક મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા કરાવવા તૈયાર

કોંગ્રેસે કહ્યું : ‘શિક્ષણમંત્રીના રાજીનામાથી ઓછું કંઈ ન ખપે’ રાહુલગાંધી વિરૂધ્ધ દેશવ્યાપી આંદોલન કરવાની ભાજપની જાહેરાત

પેપરલીક મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા કરાવવા તૈયાર

(એજન્સી)       નવી દિલ્હી તા.22
નીટ પેપર લીક મામલે સંસદથી લઈ શેરીઓ સુધી સમરાંગણની સ્થિતિ સર્જાઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના જેન-ઝી યુવાનો દ્વારા આંદોલન અને ત્યારબાદ તેમાં રાજકીય પક્ષોએ પણ જંપલાવતા દેશના રાજકીય તખ્તા પર વાતાવરણ અત્યંત ગરમ થઈ ગયું છે.  ગઈકાલે કોંગ્રેસ પક્ષના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સહિતના સાંસદોએ વડાપ્રધાન આવાસ સમક્ષ અચાનક આંદોલન શરૂ કરતા ભારે જપાજપી થઈ હતી. અને પોલીસે બળજબરીથી રાહુલ ગાંધી સહિતના સાંસદોને હટાવ્યા હતા. આ ઘટનાક્રમને પગલે આજે સરકારે જાહેરાત કરી છે કે, નીટ પેપર લીક મામલે સરકાર સંસદમાં ચર્ચા કરાવવા તૈયાર છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના કથીત બેજવાબદાર વર્તન સામે દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. NEET પેપર લીકના વિરોધમાં રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસના નેતાઓ બુધવારે સંસદમાં કાળા કપડાં પહેરીને પહોંચ્યા છે. વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા ઇચ્છે છે. બીજી તરફ, સરકાર દ્વારા કોંગ્રેસના પ્રદર્શન બાદ જણાવવામાં આવ્યું કે તેઓ આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. જે અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. કોંગ્રેસના પ્રવકતા કે.સી. વેણુગોપાલે જણાવ્યું છે કે, નીટ પેપરલીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાથી ઓછુ કંઈપણ સ્વીકાર્ય નથી. પહેલા શિક્ષણમંત્રી રાજીનામું આપે પછી જ બીજી વાત થશે.
આ પહેલાં મંગળવારે કોંગ્રેસના નેતાઓએ પીએમ આવાસ પાસે ધરણા કર્યા હતા. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ બેજવાબદાર છે, બાળકોના નામે રાજકારણ ચમકાવી રહ્યા છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિદ્યાર્થીઓના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યાજબી છે અને તેઓ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે શિક્ષણનું બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે સરકાર અદાણી અને અંબાણીના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી રહી છે.