અખાત યુધ્ધમાં રશિયાએ ગેમ કરી નાંખી : ઈરાનને સિક્રેટ માહિતી પુરી પાડી
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગથી અંતર જાળવી રાખનાર રશિયા હવે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યું છે. રશિયાએ ઈરાનને એવી ગુપ્ત અને સચોટ માહિતી પૂરી પાડી છે, જેનાથી તેહરાનને ક્ષેત્રમાં તૈનાત અમેરિકન સેના, યુદ્ધજહાજો અને વિમાનો પર હુમલો કરવામાં મોટી મદદ મળી શકે તેમ છે. અહેવાલો મુજબ, રશિયાએ અમેરિકન સૈન્ય અસ્કયામતોના ચોક્કસ લોકેશન ઈરાન સાથે શેર કર્યા છે. આ વ્યૂહનીતિ પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા દ્વારા આપવામાં આવતી મદદનો બદલો લેવા માંગે છે. જો રશિયાની આ મદદ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં ખાડી દેશોમાં અમેરિકા અને ઈઝરાયલ માટે જોખમ અનેકગણું વધી શકે છે. રશિયન પ્રેસિડેન્ટ પુતિને તાજેતરમાં જ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત કરી હતી.


