આઠ વર્ષ બાદ એક્ટિંગમાં ઉર્મિલા માતોંડકરનું કમબેક, OTT પર એક પછી એક બે વેબ સિરીઝમાં આવશે નજરે

TVFની નવી સિરીઝમાં પ્રિન્સિપાલની ભૂમિકા ભજવશે ઉર્મિલા; ‘તિવારી’માં 14 વર્ષ જેલમાં રહ્યા બાદ પોતાને ફસાવનારની શોધ કરતી મહિલાના પાત્રમાં જોવા મળશે

આઠ વર્ષ બાદ એક્ટિંગમાં ઉર્મિલા માતોંડકરનું કમબેક, OTT પર એક પછી એક બે વેબ સિરીઝમાં આવશે નજરે

મુંબઈ, તા.૨૨
90ના દાયકાની જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર લાંબા સમય બાદ ફરી એક્ટિંગની દુનિયામાં કમબેક કરવા જઈ રહી છે. મોટા પડદાથી લાંબા સમયથી દૂર રહેલી ઉર્મિલા હવે OTT પ્લેટફોર્મ દ્વારા દર્શકો સમક્ષ પરત ફરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ તેની પાસે એક નહીં પરંતુ બે વેબ સિરીઝ છે, જેમાં તે અલગ-અલગ પ્રકારનાં પાત્રોમાં જોવા મળશે.
ઉર્મિલા છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘બ્લેકમેઇલ’ના એક ગીતમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી હતી. ત્યારબાદ તે લાંબા સમયથી કોઈ મોટા એક્ટિંગ પ્રોજેક્ટમાં જોવા મળી નહોતી. હવે વેબ સિરીઝ દ્વારા તેનું અભિનય ક્ષેત્રે કમબેક થવાનું હોવાથી તેના ચાહકો માટે આ સમાચાર ખાસ બની રહ્યા છે.
અહેવાલ અનુસાર ઉર્મિલા ‘ધ વાયરલ ફીવર’ એટલે કે TVF દ્વારા બનાવવામાં આવી રહેલી એક નવી વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સિરીઝમાં તે એક પ્રિન્સિપાલના પાત્રમાં જોવા મળશે. સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હોવાનું અને તેને વર્ષ 2027ના મધ્ય સુધીમાં સ્ટ્રીમ કરવાની યોજના હોવાનું જણાવાયું છે.
આ વેબ સિરીઝનું લેખન પુનિત બાત્રા કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શનની જવાબદારી દિવ્યાંશુ મલ્હોત્રા સંભાળી રહ્યા છે. પુનિત અને દિવ્યાંશુ અગાઉ વર્ષ 2018માં TVFની લોકપ્રિય સિરીઝ ‘Flames’માં સાથે કામ કરી ચૂક્યા છે. પુનિત બાત્રા ‘Kota Factory’ જેવા જાણીતા પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા રહ્યા હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ઉર્મિલા માતોંડકરની અન્ય એક વેબ સિરીઝ ‘તિવારી’ પણ ચર્ચામાં છે. અહેવાલ મુજબ આ સિરીઝને ફેબ્રુઆરીમાં OTT પર રજૂ કરવાની તૈયારી છે. સૌરભ વર્માના દિગ્દર્શનમાં તૈયાર થયેલી ‘તિવારી’ કુલ 14 એપિસોડની સિરીઝ હોવાનું જણાવાયું છે.
‘તિવારી’માં ઉર્મિલાનું પાત્ર તેની અગાઉની ઘણી ભૂમિકાઓથી અલગ જોવા મળશે. સિરીઝની વાર્તા એવી મહિલાની આસપાસ ફરે છે, જે પોતે ન કરેલા ગુના માટે 14 વર્ષની જેલની સજા ભોગવીને બહાર આવે છે. જેલમાંથી મુક્ત થયા બાદ તે પોતાની સાથે થયેલા અન્યાય પાછળ કોણ જવાબદાર હતું અને તેને ગુનામાં કોણે ફસાવી હતી તેની શોધ શરૂ કરે છે.
આ પ્રકારની વાર્તાને કારણે ‘તિવારી’માં ક્રાઇમ, સસ્પેન્સ અને બદલાની ભાવનાનું મિશ્રણ જોવા મળે તેવી શક્યતા છે. ઉર્મિલાના પાત્રની 14 વર્ષની જેલયાત્રા અને ત્યારબાદ સત્ય સુધી પહોંચવાની તેની લડાઈ સિરીઝના કેન્દ્રમાં રહેશે.
‘રંગીલા’, ‘સત્યા’, ‘કૌન’, ‘પ્યાર તુને ક્યા કિયા’ અને ‘ભૂત’ જેવી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવી ચૂકેલી ઉર્મિલા માતોંડકર હવે OTT દ્વારા નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. લાંબા વિરામ બાદ એક્ટિંગમાં પરત ફરી રહેલી ઉર્મિલાને નવી પેઢીના દર્શકો OTT પર કેવો પ્રતિસાદ આપે છે તેના પર પણ નજર રહેશે.