કાલડીથી કેદારનાથ એકાત્મ યાત્રા ૨૦૨૭ની તૈયારીઓ તેજ શંકરદૂતોની ટીમે જૂનાગઢમાં સંતોના આશીર્વાદ લીધા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૮
આદિ ગુરૂ શંકરાચાર્યના સંદેશ અને ભારતીય સંસ્કૃતિની સમન્વયતાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રસાર માટે દેશભરમાં કાર્યરત આધ્યાત્મિક, ધામિર્ક અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી આચાર્ય આદિ ગુરૂ શંકરાચાર્યના દિગ્વિજય માર્ગને અનુસરીને વર્ષ ૨૦૨૭માં આયોજિત થનારી ‘કાલડીથી કેદારનાથ એકાત્મ યાત્રા’ના માર્ગ અને કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આ જ અનુસંધાને આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસ (એકાત્મ ધામ), મધ્યપ્રદેશથી નીકળેલી શંકરદૂતોની વિશેષ સર્વેક્ષણ ટીમે ઐતિહાસિક નગરી જૂનાગઢની મુલાકાત લીધી હતી. યાત્રાના રૂટ, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થળોને નિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રવાસે નીકળેલી આ ટીમે પંચદશનામ અખાડામાંથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલા પૂજ્ય સ્વામી નિજસ્વરૂપાનંદ સરસ્વતી અને સ્વામી વરેણ્યાત્માનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ શંકરદૂત અંકિત સિંહ અને વ્યાસ મિશ્રાએ જૂનાગઢ પહોંચીને વિવિધ પ્રમુખ સંતોના દર્શન કર્યા હતા. આ દરમ્યાન સંતોએ એકાત્મ યાત્રાના આ મહાન ઉદ્દેશની પ્રશંસા કરી અને ટીમને વિશેષ માર્ગદર્શન આપતાં યાત્રાની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. સર્વેક્ષણ ટીમના જણાવ્યા અનુસાર, આ એકાત્મ યાત્રા દેશના ખૂણે-ખૂણે સાંસ્કૃતિક સમન્વય, સદભાવના અને વૈચારિક એકતાનો સંદેશ પહોંચાડશે. યાત્રા દરમિયાન વિવિધ પડાવોએ ભવ્ય સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી યુવા પેઢીને મહાન ભારતીય સનાતન સંસ્કૃતિ અને દર્શનનો અનુભવ કરાવવામાં આવશે. જૂનાગઢમાં સંતોના માર્ગદર્શનથી યાત્રાના માર્ગની રૂપરેખાને વધુ સુદ્રઢ બનાવવામાં મદદ મળી છે.


