ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે અથડાતા અગનગોળો બની : 4 મુસાફરો જીવતા ભડથુ

ગત મધ્યરાત્રીના રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર સાંગાણી ગામના પાટીયા નજીક બનેલી દુર્ઘટના

ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે અથડાતા અગનગોળો બની : 4 મુસાફરો જીવતા ભડથુ

(બ્યુરો)  ચોટીલા તા.14
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે ડ્ઢદ્ગછ જ એક રસ્તો છે. જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડાંમર પર પડ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સકિર્ટ થયું હતું અને જોતજોતામાં ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 4 મુસાફરો જીવતા ભડથુ થઈ ગયા હતા.