ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે

ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે દરમિયાન શનિવારે સલાયા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દાતા ગામના રહીશ અને ખંભાળિયા નજીક આવેલી એક કંપનીમાં દેવળીયા ખાતેથી ડીઝલના ટેન્કર ચલાવતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા દ્વારા ટેન્કરમાંથી ડીઝલનો અમુક જથ્થો કેરબા તથા બેરલમાં ભરી, ચોરી કરીને આ ચોરીનું ડીઝલ બોલેરો કેમ્પરમાં ભરી પોતાની સ્કોર્પિયો કાર વડે પાયલોટિંગ કરી અને વેચવામાં આવતો હોય, જે સંદર્ભે વોચ દરમિયાન ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ખાતે વેચાણ કરવા જતા પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા.
જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા, દખણાદા બારા ગામના હરદેવસિંહ વિક્રમસિંહ ચુડાસમા, દાતા ગામના હરીશ સામંત ધમા તેમજ સ્કોર્પિયો કાર પાછળ ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ભરીને આવતી બોલેરો કેમ્પરમાંથી આરોપી એવા રાજદીપસિંહ ભીખુભા ચુડાસમા અને સીમાણી કાલાવડ ગામના રણજીતસિંહ ધીરુભા ચુડાસમા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા 72,000 ની કિંમતનો 800 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂપિયા 85,700 રોકડા અને રૂપિયા 15 લાખની કિંમતની સ્કોર્પિયો કાર અને રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો કેમ્પર તથા રૂપિયા 30,000 ની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કર્યા છે.
આ દરોડા દરમિયાન કુલ રૂપિયા 21,87,700 નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ, આ તમામ આરોપીઓ વિરુદ્ધ સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ગજ્જર, એએસઆઈ દેવેન્દ્રસિંહ જે. જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કરણભાઈ સોંદરવા દ્વારા કરવામાં આવી હતી.