ગિરનાર લીલી પરિક્રમામાં જૂનાગઢ આરોગ્ય તંત્રની સમયસૂચકતાથી સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ
સરકડિયા હનુમાન મંદિર પાસે પ્રસૂતિની પીડા ઉપડતાં અમદાવાદની સગર્ભા મહિલાને ત્વરિત સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સફળ નોર્મલ પ્રસૂતિ કરાવાઈ
જૂનાગઢ, તા. ૨૦
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં ઉમટી પડેલા લાખો ભાવિકોની સુરક્ષા અને આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતત ખડેપગે સેવા આપી રહ્યું છે.
પરિક્રમા દરમિયાન આરોગ્ય ટીમની આવી જ એક સમયસૂચક અને સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં જંગલ વિસ્તારમાં પ્રસૂતિની પીડા ઉપડતાં અમદાવાદની એક સગર્ભા મહિલાને ત્વરિત તબીબી સહાય પૂરી પાડીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગિરનારની પરિક્રમા કરવા આવેલી ૨૪ વર્ષીય નવ માસની સગર્ભા મહિલાને પરિક્રમા રૂટ પર આવેલા સરકડિયા હનુમાન મંદિર ખાતે અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સ્થળ પર તૈનાત જૂનાગઢ આરોગ્ય ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. મહિલાને કોઈ જોખમ ન રહે તે માટે મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની એમ્બ્યુલન્સ મારફતે તુરંત જ ભેંસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે મહિલાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ વહેલી સવારે તબીબોની દેખરેખ હેઠળ મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ થઈ હતી. હાલ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. આમ, આરોગ્ય વિભાગની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને બિરદાવવામાં આવી હતી.


