જૂનાગઢમાં રોગચાળાએ માથુ ઉચકયું : શરદી, ઉધરસ, તાવના વ્યાપક વાયરા

વાયરલ ઈન્ફેકશનના કેસોની સંખ્યામાં વધારો : શરીર ટુટવું, આંખોમાંથી પાણી નીકળવું, નબળાઈની ફરીયાદ

જૂનાગઢમાં રોગચાળાએ માથુ ઉચકયું : શરદી, ઉધરસ, તાવના વ્યાપક વાયરા

જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસો થયા સીઝનલ રોગચાળો ફેલાયો છે. ખાસ કરીને વાયરલ ઈન્ફેકશન થવાના કારણે લોકો શરદી, ઉધરસ, તાવને કારણે માંદગીમાં પટકાયા છે અને દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ શહેર તથા જીલ્લાભરમાં આમ જાેઈએ તો છેલ્લા કેટલાક દિવસો થયા સીઝનલ રોગચાળો વકર્યો છે જેમાં ખાસ કરીને હવામાનમાં ફેરફાર એક સાથે ત્રણ ઋતુ અને વરસાદ પડયા પહેલાના દિવસોમાં ભારેખમ વાતાવરણ ઉકળાટની સ્થિતીમાં લોકો વાયરલ ઈન્ફેકશનનો ભોગ બન્યા છે. જયાં જુઓ ત્યાં શરદી, ઉધરસ, તાવ, શરીર ટુટવું, આંખમાંથી પાણી નીકળવા, છાતીમાં કફ જામવો અને નબળાઈ જેવી અસર દર્દીઓને રહે છે. રોગચાળાની અસર વચ્ચે જનજીવન પ્રભાવીત બન્યું છે.
આ દરમ્યાન રવીવારથી વરસાદનો રાઉન્ડ શરૂ થતા ઠુંડુ વાતાવરણ સર્જાયું છે. તેમજ બેથી ત્રણ ઋતુના એકસામાટા આક્રમણ વચ્ચે લોકો બિમાર પડયા છે. એક અંદાજ પ્રમાણે લગભગ ઘરે ઘરે માંદગીના ખાટલા જાેવા મળે છે. ચાર  વ્યકિતએ એક વ્યકિત બિમાર છે જેમાં સામાન્ય ફરીયાદ શરદી, ઉધરસ, તાવની છે.  જાે કે વાયરલ ઈન્ફેકશનની અસર ચારથી પાંચ દિવસ રહે છે. સમયસર દવા લેવાથી તેમજ હાલના સંજાેગોમાં અને વાતાવરણમાં ખોરાકની પરેજી અને નિયંત્રણને કારણે દર્દી રોગ મુકત અને સ્વસ્થ ઝડપી થઈ જાય છે. 
દરમ્યાન શહેરમાં રોગચાળાના કારણે જન જીવન પ્રભાવીત બનેલ છે. આ ઉપરાંત વરસાદ પડવાના કારણે ઠેક ઠેકારણે માર્ગો, સોસાયટીઓ, જે તે વિસ્તારમાં પાણીના ખાબોચીયા ભરેલા જાેવા મળે છે. આ ઉપરાંત વરસાદી ભેજમય વાતાવરણને કારણે મચ્છરોનો પણ ખુબજ ઉપદ્રવ વધી ગયો છે ત્યારે રોગચાળાને કાબુમાં લેવા અને મચ્છરોના વધી રહેલા ઉપદ્રવ સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલ શહેરમાં આરોગ્ય વિષયક પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી દવાખાના અથવા પ્રાઈવેટ દવાખાનામાં પણ વાયરલ ઈન્ફેકશનનાં કેસોમાં ઘણો વધારો થઈ રહયો છે. ડોકટર દવા આપ્યા બાદ રીપોર્ટ કરવાનું જણાવતાં હોવાથી આમ જનતામાં હાલની મોંઘવારીમાં અસહય ડામનો સામનો કરવો પડી રહયો છે.