દિલજીત દોસાંજની મોટી જાહેરાત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે મેગા પરફોર્મન્સ
‘Aura World Tour’ અંતર્ગત ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં લાઈવ શો; ટિકિટના ભાવ અને બુકિંગ અંગેની વિગતોની ચાહકોને રાહ
મુંબઈ, તા.૧૪
પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજે પોતાના ભારતીય ચાહકો માટે મોટી જાહેરાત કરી છે. લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટ દરમિયાન દિલજીતે જાહેરાત કરી હતી કે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાન્ડ લાઈવ પરફોર્મન્સ આપશે. આ જાહેરાત સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં આગામી અમદાવાદ શોને લઈને ઉત્સુકતા વધી છે.
દિલજીત દોસાંજ પોતાના ‘Aura World Tour’ અંતર્ગત વેમ્બલી સ્ટેડિયમમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેમણે અમદાવાદ કોન્સર્ટની તારીખ અને સ્થળ જાહેર કર્યા હતા. જાહેરાત મુજબ દિલજીત ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મ કરશે. વર્ષ ૨૦૨૪ના ‘Dil-Luminati India Tour’ બાદ અમદાવાદમાં આ તેમનો પહેલો મોટો શો હશે.
કોન્સર્ટની તારીખ અને સ્થળ જાહેર થઈ ચૂક્યાં છે, પરંતુ ટિકિટનું વેચાણ ક્યારથી શરૂ થશે, ટિકિટના ભાવ કેટલા રહેશે અને બુકિંગ કયા પ્લેટફોર્મ પરથી કરી શકાશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ચાહકો હવે આ અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
વેમ્બલીના સ્ટેજ પરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ઉલ્લેખ કરતાં દિલજીતે તેને દેશનું વિશાળ અને ભવ્ય સ્ટેડિયમ ગણાવ્યું હતું. આ દરમિયાન તેમણે બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક વિદેશી બેન્ડે આ સ્ટેડિયમની તમામ ટિકિટ વેચી હતી અને ભારતમાં આટલું મોટું સ્ટેડિયમ હોય ત્યારે કોઈ પંજાબી કલાકાર પણ ત્યાં પોતાની હાજરી નોંધાવે તે જરૂરી છે. તેમના આ નિવેદનને વેમ્બલીમાં હાજર ચાહકોએ તાળીઓથી વધાવ્યું હતું.
લંડનનો આ કોન્સર્ટ પણ દિલજીત માટે ખાસ રહ્યો હતો. અહેવાલ મુજબ તેઓ વેમ્બલી સ્ટેડિયમમાં હેડલાઈનર તરીકે પરફોર્મ કરનારા પ્રથમ પંજાબી કલાકાર બન્યા છે. તેમણે પોતાના જાણીતા અંદાજમાં ‘Punjabi Aa Gaye Wembley Oye!’ સાથે શોની શરૂઆત કરી હતી.
બે કલાકથી વધુ ચાલેલા કોન્સર્ટમાં દિલજીતે ‘GOAT’, ‘Lover’, ‘Hass Hass’ અને ‘Born To Shine’ સહિતના લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા. લગભગ ૯૦ હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા વેમ્બલી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હોવાનું જણાવાયું છે. કોન્સર્ટ દરમિયાન દિલજીતે કેટલાક બાળકો અને એક વૃદ્ધ મહિલા ચાહકને સ્ટેજ પર બોલાવી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
વેમ્બલીના મેગા શો બાદ હવે દિલજીત દોસાંજના ચાહકોની નજર ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા તેમના લાઈવ પરફોર્મન્સ પર રહેશે. ખાસ કરીને ટિકિટ બુકિંગ અને તેના ભાવ અંગેની આગામી જાહેરાતની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.


