પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ગૌચર વિકાસ સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૪
કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ગૌચર વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ગૌચર જમીનોના વિકાસ, સંરક્ષણ તેમજ પશુધન માટેની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ગૌચર જમીનોને પશુધન માટે વધુ ઉપયોગી બનાવવા અને ઘાસ વાવેતર સહિતની પશુઓને અનુકુળ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિકાસલક્ષી અભિગમ અપનાવવા પર સૂચન કર્યું હતું. તેમજ બેઠક દરમિયાન મહાનગર પાલિકા વિસ્તારની ગૌચર જમીનોનો યોગ્ય વિકાસ થાય, તેનું જતન અને સંરક્ષણ સુનિશ્ચિત બને તેમજ ગૌચર જમીનોનો વધુમાં વધુ ઉપયોગ પશુધનના કલ્યાણ માટે થઈ શકે તે અંગે વિવિધ બાબતો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ગૌચર જમીનોના સુવ્યવસ્થિત વિકાસ અને સંરક્ષણ દ્વારા પશુધનના કલ્યાણને પ્રોત્સાહન મળે તેમજ ગૌચર સંસાધનોનો અસરકારક ઉપયોગ થઈ શકે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


