મનપા સંચાલિત સાવજના ડેલામાં પશુઓની દયનીય સ્થિતિ અંગે વિપક્ષના ગંભીર આક્ષેપો

વરસાદને કારણે કીચડ થયો છે, વિરોધ પક્ષ દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા છે - વેટરનરી ડોક્ટર

મનપા સંચાલિત સાવજના ડેલામાં પશુઓની દયનીય સ્થિતિ અંગે વિપક્ષના ગંભીર આક્ષેપો

જૂનાગઢ તા.૨૨
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાવજના ડેલા ઢોર વાળા ખાતે પશુઓની દયનીય સ્થિતિ બાબતે ભારે વિવાદ ઉઠવા પામ્યો છે. ચોમાસાના વરસાદને કારણે ઢોરનાં ડબ્બામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે અને ગૌવંશના મોત થઈ રહ્યા હોવાની માહિતી મળતા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સ્થળ મુલાકાત લઈને તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
વધુમાં સ્થળ તપાસ બાદ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે સાવજના ડેલા ખાતે મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓ અને ગાયોને પકડીને રાખવામાં આવે છે. હાલમાં આખું ગ્રાઉન્ડ ગારા અને કીચડથી ખદબદી રહ્યું છે, જેમાં પશુઓ અને નાના વાછરડાંઓ મરી રહ્યા છે. ઉપરથી વરસાદ અને નીચે કીચડ હોવાથી મોટી માત્રામાં બીમારી ફેલાઈ રહી છે અને પશુઓના મૃતદેહો પણ કીચડમાં રઝળતી હાલતમાં પડ્યા છે.
તેમણે શાસકો પર પ્રહાર કરતા કહ્યું કે ટાઉન હોલ, નરસિંહ મહેતા સરોવર અને વીઆઈપી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ગાય માતા અને મૂંગા પશુઓ માટે યોગ્ય ચારો, પાણી, દવા કે ડોક્ટરની તાત્કાલિક સારવાર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જૂનાગઢના શાસકો કે અધિકારીઓ પાસે આ બાબત જોવાનો સમય નથી. ૫૦ થી ૬૦ કરોડ રૂપિયા અન્ય કામોમાં વાપરવાને બદલે પશુઓ માટે ગ્રાઉન્ડ લેવલ કરી કાયમી મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
દરમ્યાન આ બાબતની ગંભીરતા જોઈને શાસક પક્ષના સ્થાનિક પ્રતિનિધિઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે વરસાદના કારણે કીચડની સમસ્યા સર્જાઈ છે, જે ખરેખર દુ:ખદ છે. આ સ્થિતિ સુધારવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં ગ્રાઉન્ડ પર મેટલ નાખીને રસ્તો સમતલ કરવાનો પ્રયાસ કરાશે. આ ઉપરાંત, બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. નવી ગૌશાળા તૈયાર થઈ ગઈ હોવાથી મંજૂરી મળતા જ તમામ પશુઓને નવી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. વધુમાં આ તકે મહાનગરપાલિકાના વેટરનરી ડોક્ટર રાહુલ વાણિયાએ જણાવ્યું હતું કે રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદના કારણે કીચડ થયો છે. વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપો સદંતર ખોટા છે. અહીં દરરોજ લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર દ્વારા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ઢોરોની સારવાર કરવામાં આવે છે અને તેના કેસ પેપર તથા ફોટા અધિકારીઓના ગ્રુપમાં મૂકવામાં આવે છે. શહેરમાંથી બીમાર ગૌવંશની ફરિયાદ આવે ત્યારે તેમને સ્થળ પર સારવાર આપવાને બદલે ગિરનાર કે ગોપાલ ગૌશાળામાં ખસેડવામાં આવે છે. ઢોર અતિશય ક્રિટિકલ હાલતમાં હોવાથી કેટલીકવાર મોત નીપજે છે, ત્યારબાદ એક કલાકમાં જ સ્ટેબલ બ્રાંચ દ્વારા વાહન મોકલીને ઈન્સિનેરેટર ખાતે વિધિવત નિકાલ કરવામાં આવે છે. કોઈ ગૌવંશ બીમાર હોય ત્યારે તેને સાચવીને ઉપાડવા માટે ઓછામાં ઓછા ૫થી ૭ માણસોની જરૂર પડે છે, કારણ કે હાલમાં એવા કોઈ હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ નથી. હાથમાંથી પ્રાણી છૂટી જાય તો તેને વધારે ઈજા થવાની શક્યતા રહે છે. હાલમાં કેટલ પાઉન્ડનું મજબૂત વાહન રિપેરિંગમાં હોવાથી બીજી શાખા પાસેથી વાહન માંગીને કામ ચલાવવામાં આવે છે. ફ્લોરિંગ ન હોવાથી અને બીજી સુપડી પાવરફુલ ન હોવાથી થોડો કાદવ-કીચડ જોવા મળે છે. દરમ્યાન ગિરનાર ગૌશાળા સાવજના ડેલામાં ૧૪૦ જેટલા ગૌવંશ છે અને આ તમામ ખૂંટ છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી શ્વસન પ્રક્રિયામાં તકલીફ થાય છે અને માનવોની જેમ પશુઓમાં પણ રોગચાળો વધતા મૃત્યુઆંક વધે છે. પશુપાલન વિભાગના ડિસીઝ ઈન્વેસ્ટિગેશન ઓફિસ ખાતે સેમ્પલ મોકલતા મોટાભાગના પશુઓમાં થાઈલેરિયા અને બબેસિયા જેવા ટીક ફીવર પોઝિટિવ આવે છે. આ ઉપરાંત, પકડવામાં આવતા પશુઓ અગાઉથી જ પ્લાસ્ટિક, કચરો અને એઠવાડ ખાધેલા હોય છે, જેથી તેમની ખોરાક પચાવવાની ક્ષમતા નીચા લેવલે હોય છે. આ કારણોસર રખડતા ઢોરોમાં મૃત્યુદર હંમેશા વધારે જોવા મળે છે તેમ જણાવ્યું હતું.