‘રાજ’ની ખૌફનાક માલતી 24 વર્ષ બાદ ક્યાં છે? માલિની શર્માએ ગ્લેમર છોડીને પહાડોમાં ખેતીને બનાવ્યું જીવન

બિપાશા બાસુ-ડિનો મોરિયાની ફિલ્મમાં યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેત્રી હવે ફાર્મસ્ટે ચલાવે છે, કુદરત સાથે જીવી રહી છે

‘રાજ’ની ખૌફનાક માલતી 24 વર્ષ બાદ ક્યાં છે? માલિની શર્માએ ગ્લેમર છોડીને પહાડોમાં ખેતીને બનાવ્યું જીવન

મુંબઈ, તા.૨૬
વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘રાજ’એ બિપાશા બાસુ અને ડિનો મોરિયાને નવી ઓળખ અપાવી હતી, પરંતુ ફિલ્મના એક પાત્રે પણ દર્શકોના મનમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. આ પાત્ર હતું ‘માલતી’, જેને અભિનેત્રી માલિની શર્માએ ભજવ્યું હતું. ફિલ્મમાં નાનકડો રોલ હોવા છતાં માલિનીની ખૌફનાક અદાકારી લાંબા સમય સુધી દર્શકોને યાદ રહી હતી.
‘રાજ’ બોક્સ ઓફિસ પર સફળ થયા બાદ માલિની શર્માએ અચાનક જ બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું. ત્યારથી તેઓ જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળ્યાં હતા. હવે લગભગ 24 વર્ષ બાદ માલિની શર્માના વર્તમાન જીવનની કેટલીક વિગતો સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે માલિની શર્મા હાલ પુણે નજીક સહ્યાદ્રિની પહાડીઓ વચ્ચે આવેલા પોતાના આશિયાનેમાં સાદગીભર્યું જીવન જીવી રહી છે. ફિલ્મ અને મોડેલિંગની દુનિયાથી દૂર રહીને તેમણે પોતાનું જીવન કુદરત સાથે જોડી દીધું છે. તેમના ફાર્મમાં તેઓ વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો ઉગાડે છે તથા ખેતીકામમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે.
માલિની માત્ર પોતાના માટે ખેતી કરતી નથી, પરંતુ પોતાના ફાર્મને ફાર્મસ્ટે તરીકે પણ ચલાવે છે. અહીં પ્રવાસીઓ અને કુદરતપ્રેમીઓ રોકાવા માટે આવે છે. ખાસ વાત એ છે કે મહેમાનોનું સ્વાગત માલિની પોતે કરે છે અને પોતાના હાથે તૈયાર કરેલું ભોજન પણ પીરસે છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયો બાદ માલિની શર્મા ફરી ચર્ચામાં આવી છે. તેમના હાલના લુકમાં વર્ષો પહેલાંની ગ્લેમરસ અભિનેત્રી કરતાં ઘણો બદલાવ જોવા મળે છે. તેમના વાળ સફેદ થઈ ગયા છે, પરંતુ સાદગી અને કુદરતી જીવનશૈલીમાં પણ તેમની વ્યક્તિત્વની અલગ જ છાપ જોવા મળે છે.
માલિની સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, પરંતુ તેઓ પોતાના સેલિબ્રિટી નામથી ખાસ ઓળખ બનાવતી નથી. ‘ધ રલો લોકલ’ નામના પેજ દ્વારા તેઓ ખેતી, ફાર્મ લાઇફ અને કુદરતી વાતાવરણ સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે. તેમના કન્ટેન્ટમાં ફિલ્મી દુનિયાની જગ્યાએ પ્રકૃતિ અને સાદગીભર્યા જીવનની ઝલક જોવા મળે છે.
એક સોશિયલ મીડિયા કોમેન્ટના જવાબમાં માલિનીએ પોતાની અંગત જિંદગી અંગે પણ કેટલીક માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે બીજા લગ્ન એક પઠાણ સાથે કર્યા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના પૂર્વ પતિ અને અભિનેતા પ્રિયાંશુ ચેટર્જી સાથે હવે કોઈ સંપર્ક નથી.
માલિની શર્માની ફિલ્મી સફર ‘રાજ’ પૂરતી મર્યાદિત નહોતી. ફિલ્મમાં આવતા પહેલાં તેઓ ગાયક મીકા સિંહના લોકપ્રિય મ્યુઝિક વીડિયો ‘સાવન મેં લગ ગયી આગ’માં પણ જોવા મળ્યાં હતાં. આ ગીતના વીડિયો દ્વારા તેમને મોટી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે કેટલાક ટીવી શો અને અન્ય વીડિયો પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું હતું.
વર્ષ ૨૦૦૧માં પ્રિયાંશુ ચેટર્જી સાથે તેમના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ ‘રાજ’ની સફળતા છતાં માલિનીએ મનોરંજન ઉદ્યોગથી ધીમે ધીમે અંતર બનાવી લીધું હતું. આજે તેઓ ચમકદાર ફિલ્મી દુનિયાથી દૂર સહ્યાદ્રિની વચ્ચે ખેતી અને ફાર્મસ્ટેના માધ્યમથી એક અલગ અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યાં છે.