રાજયમાં આજથી ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી : ખેડુતો ચિંતાતુર

રાજયમાં આજથી ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી : ખેડુતો ચિંતાતુર

(બ્યુરો)          અમદાવાદ તા.૧૮
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી ૨૦ માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે.
ખાસ કરીને ૧૮ અને ૧૯ માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. જોકે, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી બફારા અને ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. ૧૯ માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૦ માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.