વિશ્વ હડકવા દિવસ નિમિત્તે જૂનાગઢ વેટરિનરી કોલેજમાં શ્વાન-બિલાડીઓ માટે નિઃશુલ્ક રસીકરણ કેમ્પ

28 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 12:30 વાગ્યા સુધી હડકવા વિરોધી રસીકરણ સાથે પાલતુ પશુઓની આરોગ્ય તપાસ પણ કરાશે

વિશ્વ હડકવા દિવસ નિમિત્તે જૂનાગઢ વેટરિનરી કોલેજમાં શ્વાન-બિલાડીઓ માટે નિઃશુલ્ક રસીકરણ કેમ્પ

જૂનાગઢ,તા. ૨૫
વિશ્વ હડકવા દિવસ નિમિત્તે જૂનાગઢમાં પાલતુ શ્વાન અને બિલાડીઓ માટે વિશેષ નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ તેમજ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કામધેનુ યુનિવર્સિટી હસ્તક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી વેટરિનરી કોલેજના વેટરિનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ દ્વારા આ કેમ્પ યોજવામાં આવશે.
આગામી તા. 28 સપ્ટેમ્બર, 2026ને સોમવારના રોજ વેટરિનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ, વેટરિનરી કોલેજ, જૂનાગઢ ખાતે કેમ્પ યોજાશે. સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં પાલતુ શ્વાન અને બિલાડીઓને નિઃશુલ્ક હડકવા વિરોધી રસી આપવામાં આવશે. આ સાથે પશુઓની આરોગ્ય તપાસણી પણ કરવામાં આવશે.
હડકવા સામે પાલતુ પશુઓનું સમયસર રસીકરણ થાય અને પશુ માલિકોને તેમના પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય અંગે જરૂરી તપાસની સુવિધા મળી રહે તે માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. એસ.વી. માવદિયાએ જૂનાગઢ શહેર તેમજ આસપાસના વિસ્તારોના પાલતુ શ્વાન અને બિલાડીના માલિકોને પોતાના પશુઓને કેમ્પમાં લાવી નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને આરોગ્ય તપાસણીનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા માટે પશુ માલિકો મોબાઇલ નંબર 7600049180 અથવા 8200552039 પર સંપર્ક કરી શકશે.