શિવરાત્રી મેળામાં નાગા સાધુએ તલવાર સાથે આતંક મચાવ્યો : લોકોમાં દોડધામ મચી ગઈ
જૂનાગઢ તા. ૧૩
ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહેલા શિવરાત્રીનાં મેળામાં ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહયો છે અને ભજન, ભોજન અને ભકિત સાથે ધર્મમય વાતાવરણ બની ગયું છે. આ દરમ્યાન ગઈકાલે રાત્રીનાં એક નાગા સાધુએ તલવાર સાથે આતંક મચાવતા દોડધામ મચી જવા પામી હતી. જાે કે આ નાગા સાધુની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગત અનુસાર દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૧૨ ફેબ્રુઆરીની રાતે એક નાગાસાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા. સાધુના આ રૌદ્ર અને અસંયમિત રૂપને જાેઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યા હતા.
આ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય એમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકાં ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય એવી સ્થિતિ સર્જાતાં મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો.
સ્થાનિક લોકો અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જાેવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જાેતાં પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી.


