શાહરુખના ગીતે રચ્યો વ્યૂઝનો નવો રેકોર્ડ, 24 કલાકમાં ‘જવાન’ને પાછળ છોડ્યું
‘તુ મિલ જાયે’ને યુટ્યુબ પર પ્રથમ દિવસે મળ્યા 3.63 કરોડ વ્યૂઝ; વિવિધ પ્લેટફોર્મ પર કુલ વ્યૂઝ 9 કરોડને પાર
મુંબઈ તા.5
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું રોમેન્ટિક ગીત ‘તુ મિલ જાયે’ રિલીઝ થતાં જ લોકપ્રિયતાના નવા શિખરો સર કરી રહ્યું છે. શાહરુખ ખાનના 61મા જન્મદિવસ નિમિત્તે 2 નવેમ્બરે રિલીઝ થયેલા આ ગીતે માત્ર 24 કલાકમાં યુટ્યુબ પર 3.63 કરોડ વ્યૂઝ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર ગીતના કુલ વ્યૂઝ 9 કરોડને પાર થઈ ગયા છે. આ સાથે ‘તુ મિલ જાયે’ 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલું ભારતીય ફિલ્મી ગીત બન્યું છે.
આ ગીતે શાહરુખ ખાનની જ ફિલ્મ ‘જવાન’ના લોકપ્રિય ગીત ‘ઝિંદા બંદા’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘ઝિંદા બંદા’ને પ્રથમ 24 કલાકમાં 3.46 કરોડ વ્યૂઝ મળ્યા હતા. આ ઉપરાંત ‘સત્યપ્રેમ કી કથા’ના ‘ગુજ્જુ પટાકા’ને 3.40 કરોડ, ‘આદિપુરુષ’ના ‘જય શ્રી રામ’ને 3.22 કરોડ અને ‘રામ સિયા રામ’ને 3.21 કરોડ, જ્યારે ‘સિકંદર’ના ‘સિકંદર નાચે’ને 3.19 કરોડ વ્યૂઝ મળ્યા હતા. આ તમામ ગીતોને પાછળ છોડીને ‘તુ મિલ જાયે’એ નવો મુકામ હાંસલ કર્યો છે.
જોકે, નોન-ફિલ્મી ગીતોની યાદીમાં બાદશાહનું ‘પાગલ’ 7.5 કરોડ વ્યૂઝ સાથે હજુ પણ આગળ છે. આ યાદીમાં ગુરુ રંધાવાનું ‘નૈન બંગાલી’ 7.14 કરોડ અને બી પ્રાકનું ‘ફિલહાલ 2 – મોહબ્બત’ 5.1 કરોડ વ્યૂઝ સાથે સ્થાન ધરાવે છે.
‘તુ મિલ જાયે’ ગીતમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળી રહી છે. અરિજિત સિંહ અને મધુબંતી બાગચીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે સચિન-જીગરનું સંગીત અને કુમારના શબ્દો ગીતને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર એડ શીરન પણ આ ગીતમાં કલાકાર તરીકે જોડાયા છે. ‘ઓમ શાંતિ ઓમ’થી શરૂ થયેલી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની લોકપ્રિય જોડીએ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘પઠાન’ અને ‘જવાન’ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. હવે ‘તુ મિલ જાયે’ની સફળતાએ આ જોડીની લોકપ્રિયતામાં વધુ એક નવો અધ્યાય ઉમેર્યો છે.


