સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર ધ્વનિ પ્રદૂષણનો ત્રાસ, તંત્ર કાર્યવાહી ક્યારે કરશે
(જાદવ ભોળા દ્વારા)
લોઢવા, તા.પ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર મોટા અવાજે દોડતી છકડો રિક્ષાઓને કારણે ધ્વનિ પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. છકડો રિક્ષાઓમાં લગાવવામાં આવેલા મોટા સાઇલેન્સર અને તેના અસહ્ય અવાજને કારણે માર્ગ પરથી પસાર થતા લોકો તેમજ આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે મોટી સંખ્યામાં છકડો રિક્ષાઓ આ માર્ગ પરથી પસાર થાય છે. આ દરમિયાન રિક્ષાઓના મોટા અવાજથી આસપાસના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. વાહનોમાં નિયમ વિરુદ્ધ સાઇલેન્સર લગાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જરૂરી છે. જાહેર માર્ગો ઉપર આ રીતે મોટા અવાજે વાહનો દોડતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ચર્ચા વચ્ચે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોની તપાસ કરી નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આવા વાહનોમાંથી ગેરકાયદેસર સાઇલેન્સર દૂર કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. હવે જાેવાનું એ રહ્યું કે સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે પોલીસ RTO તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરે છે.


