સુરતમાં શ્રમિકોનું મહા આંદોલન : કલેકટર કચેરી તરફ જઈ રહેલા કામદારોને પોલીસે દોડાવી-દોડાવીને ડીટેઈન કર્યા : ૭૦ની અટકાયત

સુરતમાં શ્રમિકોનું મહા આંદોલન : કલેકટર કચેરી તરફ જઈ રહેલા કામદારોને પોલીસે દોડાવી-દોડાવીને ડીટેઈન કર્યા : ૭૦ની અટકાયત

(બ્યુરો)                  સુરત તા.૧૫
સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને આજે ૧૫ ઓક્ટોબરે શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે યુનિયનના બે અગ્રણી નેતાઓ સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિત ૬થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી લીધી છે. કામદારો પહોંચે તે પહેલા કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે વિરોધ કરતા કામદોરોને પણ પોલીસે ડિટેઈન કરવાનું શરૂ કરી દીધું છે. કામદાર નેતાઓ સુરેશ સોનવણે, પ્રમુખ, રાષ્ટ્રીય મજદૂર સેના, રમાકાંત પાંડે, પ્રમુખ, સુરત સંઘર્ષ લેબર યુનિયન, મલખાનસિંહ વર્મા, પ્રમુખ, સાર્વજનિક મજદૂર એકતા યુનિયન, સંદીપ પટેલ, CJP સભ્ય, વિનય પાઠક, કામદારની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે, શ્રમિકોનો વિરોધનો કાર્યક્રમ હતો જેની પરવાનગી આપવામાં આવી ન હતી. મજુરોનો મોરચો કલેક્ટર કચેરીએ આવે એ પહેલા જ ૧૦૦ મીટર દૂરથી ૬૦થી ૭૦ મજૂરોને ડિટેઈન કરી દેવાયા છે. આ કાર્યક્રમ માટે પોલીસ તરફથી જરૂરી શરતો પૂરી ન થતાં કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જેથી કલેક્ટર કચેરીએ પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.