કામધેનું વિશ્વવિદ્યાલય, જૂનાગઢ સ્થિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે માનનીય કુલપતિ ડો.પી. એચ. ટાંકે  મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી

કામધેનું વિશ્વવિદ્યાલય, જૂનાગઢ સ્થિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે માનનીય કુલપતિ ડો.પી. એચ. ટાંકે  મુલાકાત લીધી

જૂનાગઢ,તા.૨૩
કામધેનું વિશ્વવિદ્યાલય, જૂનાગઢ સ્થિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે માનનીય કુલપતિ ડો.પી. એચ. ટાંકે  મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે વિશ્વવિદ્યાલયના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.જે.એસ.પટેલ તથા ઇન્ચાર્જ હિસાબ નિયામક અને સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.આર.જે.મોદી ઉપસ્થિત રહ્યા હતા.  મહાવિદ્યાલયના ઇન્ચાર્જ આચાયર્શ્રી ડૉ.એમ.ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મુલાકાતનું સંકલન કરવામાં આવ્યું હતું. તા. ૧૫ ઑક્ટોબરની સાંજે મહાવિદ્યાલયની વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ (SRC) દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ‘રાતલડી–૨૦૨૬’માં કુલપતિ તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી માતાજીની પરંપરાગત આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાવિદ્યાલયના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિએ સમગ્ર ઉજવણીમાં સાંસ્કૃતિક એકતા, સામૂહિક સૌહાર્દ અને ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું.  કુલપતિના હસ્તે કામધેનું વિશ્વવિદ્યાલયની સૌરાષ્ટ્ર ઝોનલ કચેરી, જૂનાગઢનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં હિસાબ અધિકારી તથા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીઓનો સમાવેશ થાય છે. આ નવી કચેરી સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિશ્વવિદ્યાલયની વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ત્યારબાદ કુલપતિ, વિસ્તરણ શિક્ષણ નિયામક, હિસાબ નિયામકશ્રી તથા આચાયર્શ્રીએ મહાવિદ્યાલય ખાતે નિર્માણાધીન કન્યા છાત્રાલય અને ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમની મુલાકાત લઈ બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી હતી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, રમતગમત અને મનોરંજનની સુવિધાઓ માટે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં, કુલપતિએ મહાવિદ્યાલયના પશુ ઉછેર કેન્દ્ર (CBF)ની મુલાકાત લઈ પશુઆહાર વ્યવસ્થાપન, આનુવંશિક સુધારણા કાર્યક્રમો, પશુ સંવર્ધન, પ્રાયોગિક શિક્ષણ અને પશુધન વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાતનું સંકલન ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પશુ ઉછેર કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. જી. એમ. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ફાર્મ ખાતે અગાઉ બિનખેતીલાયક રહેલી જમીનને ખેતીલાયક બનાવવાની પ્રશંસનીય કામગીરી બદલ કુલપતિશ્રીએ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વી. કે. કરંગિયા તથા પશુ ઉછેર કેન્દ્રના સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
મુલાકાત દરમ્યાન કુલપતિએ મહાવિદ્યાલયના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એમ.ડી. ઓડેદરાએ મહાવિદ્યાલયની વિવિધ શૈક્ષણિક, સંશોધન, વિસ્તરણ શિક્ષણ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. ખાસ કરીને પશુ સંવર્ધન ફાર્મ ખાતે હાથ ધરાયેલા વિકાસકાર્યોના ભાગરૂપે અંદાજે ૩,૦૦૦ રોપાઓના વૃક્ષારોપણ, જમીન સુધારણા, માળખાકીય સુવિધાઓના વિકાસ, શિક્ષણની ગુણવત્તા વધારવાના પ્રયાસો, સંશોધન પ્રવૃત્તિઓ, સામાજિક સેવાઓ તથા વિદ્યાર્થી કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ચાલુ ઑક્ટોબર માસમાં નિવૃત્ત થઈ રહેલા કામધેનું વિશ્વવિદ્યાલયના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલનું તેમની દીર્ઘકાલીન, સમર્પિત અને મૂલ્યવાન સેવાઓ બદલ ઇન્ચાર્જ આચાર્ય તથા પશુચિકિત્સા ફેકલ્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહને સંબોધતા  કુલપતિ ડૉ. પી. એચ. ટાંકે શિક્ષણમાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા, સંશોધનમાં નવીનતા, અસરકારક વિસ્તરણ શિક્ષણ, કર્મનિષ્ઠા તથા સંસ્થાના સતત વિકાસનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા શિક્ષણ, સંશોધન, માળખાકીય સુવિધાઓ અને સંસ્થાના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી તથા ભવિષ્યમાં પણ આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો.