ર૪ કલાકમાં ઈરાને અમેરીકાના બે ફાઈટર જેટ તોડી પાડયા
ઈરાનના વિસ્તારમાંથી અમેરીકાની રેસ્કયુ ટીમે એક પાયલોટને બચાવી લીધો : બીજાની શોધખોળ ચાલુ
(એજન્સી) તહેરાન તા.૪
ઈરાને અમેરિકાના બે લડાકુ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો છે. જેમાં એક F-35 ફાઈટર જેટ અને બીજું A-10 અટેક એરક્રાફ્ટ છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પડી ગયેલું પહેલું ફાઈટર જેટ F-35 નહીં પણ F-15E છે.
તે જ સમયે, બીજું A-10 એરક્રાફ્ટ કોઈક રીતે કુવૈતના હવાઈ ક્ષેત્ર સુધી પહોંચી ગયું, જ્યાં પાઇલટે ઇજેક્ટ કર્યું. પાઇલટ સુરક્ષિત છે, પરંતુ વિમાન કુવૈતમાં ક્રેશ થઈ ગયું. બે અમેરિકી બ્લેકહોક હેલિકોપ્ટર, જે બચાવ કામગીરીમાં લાગેલા હતા, તેમના પર પણ ઈરાને હુમલો કર્યો, પરંતુ તેમાં સવાર સૈનિકો સુરક્ષિત છે.
એક અમેરિકી અધિકારી અનુસાર, F-15E ફાઈટર જેટના એક પાઇલટને ઈરાનમાંથી બચાવી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક પાઇલટની શોધમાં ઓપરેશન ચાલી રહ્યું છે.
બીજી તરફ, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં અમેરિકી ફાઈટર જેટ તોડી પાડવાની ઘટનાથી બંને દેશો વચ્ચેની વાતચીત પર કોઈ અસર નહીં પડે. ટ્રમ્પે કહ્યું, "અમે યુદ્ધમાં છીએ." તેમણે આ વાત અમેરિકી મીડિયા NBC સાથેના એક ફોન ઇન્ટરવ્યુમાં કહી.
ઈરાને અમેરિકી ફાઈટર જેટના પાઇલટને પકડવા પર ૧૦ બિલિયન ઈરાની તોમાન (લગભગ ૫૫ લાખ રૂપિયા)ના ઇનામની જાહેરાત કરી છે. ઈરાનના સરકારી મીડિયા IRIBના એક એન્કરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અમેરિકી પાઇલટને જીવતો પકડીને સરકારી અધિકારી કે સેનાને સોંપે.


