અમદાવાદના હાલ-બેહાલ : સમગ્ર શહેર જળબંબાકાર
વટવા-લાંભામાં બે કલાકમાં પાંચ ઈંચ ધોધમાર વરસાદ, બોપલ-સરખેજમાં ૪-૪ ઈંચ ખાબકયો
(બ્યુરો) અમદાવાદ તા.૧૪
અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરના વટવા અને લાંભામાં માત્ર બે કલાકમાં ધોધમાર ૫ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે બોપલ-સરખેજમાં ૪-૪ ઈંચ વરસાદ અને શહેરના અન્ય વિસ્તારોમાં સરેરાશ ૩ ઈંચ વરસાદ ખાબકયો છે.
જેને કારણે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે.
શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય ગયા છે. વિવિધ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર ભારે પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઈન્દ્રપુરી, મણીનગર, દુધેશ્વરમાં ર.પ ઈંચ, રામોલ, વસ્ત્રાલ, ટાગોરહોલ, વાસણામાં બે ઈંચ વરસાદ સાથે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. અને ફરી એકવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દાવાઓની પોલ ખુલી ગઈ છે. ઈસનપુર રોડ તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને લોકોને ભારે હાલાકી પડી રહી છે.
અમદાવાદમાં આજે કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધી આગામી ત્રણ કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર ૧૨૯ ફૂટ રાખવામાં આવ્યું છે. આ સાથે જ નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.


