અમેરીકાએ ગત આખીરાત ઈરાન પર બોમ્બમારો-મિસાઈલ હુમલા કર્યા

અમેરીકાએ ગત આખીરાત ઈરાન પર બોમ્બમારો-મિસાઈલ હુમલા કર્યા

વોશિંગ્ટન/તહેરાન તા.૯
અમેરિકાએ ગત રાત્રે ઈરાન પર ફરીથી એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ દાવો કર્યો કે તેણે ઈરાનના લગભગ ૯૦ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટ, સર્વેલન્સ ઠેકાણા, નૌકાદળના ઠેકાણા અને સૈન્ય લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ છે.
બીજી તરફ, ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ જણાવ્યું કે ખુજેસ્તાન પ્રાંતના અહવાઝ શહેરના બહારના વિસ્તારમાં થયેલા હુમલામાં ૩ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસન મુજબ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સમજૂતી ઈચ્છે છે, પરંતુ તેમને આ વાત પર ભરોસો નથી કે તેહરાન સમજૂતીનું પાલન કરશે.
અમેરિકાનું કહેવું છે કે તાજા હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો છે. જ્યારે ઈરાને આ હુમલાઓની જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.
અમેરિકી સૈન્યએ કહ્યું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા માટે ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને બદલો લીધો. ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકી લશ્કરી થાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. બંને પક્ષોએ એક દિવસ પહેલા પણ આવું જ કર્યું હતું.
અમેરિકી સૈન્યએ સતત બીજા દિવસે ઈરાન પર હુમલો કર્યો. ઉત્તર ઈરાનમાં એક મુખ્ય રેલ્વે પુલ, જે ઈરાની સૈન્યને પુરવઠો પૂરો પાડતો હતો, તેને નિશાન બનાવવામાં આવ્યો. મુસા ટાપુ પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાની એન્ટી-શિપ મિસાઈલ બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા. બુધવારે અગાઉ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાની દળો હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો ઈરાન પર અમેરિકાના બોમ્બમારા વધુ તીવ્ર બનશે. ટ્રમ્પે ઈરાનમાં એક સ્થળે બોમ્બ વિસ્ફોટની ઘટનાનો ફોટો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું, આ ગઈકાલે ઈરાન દ્વારા જહાજો પર બોમ્બમારો કરવાનો બદલો છે. જો આવું ફરીથી થશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે!