આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં ભારે ભડકો : આમ જનતાનું બજેટ ખોરવાયું

આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં ભારે ભડકો : આમ જનતાનું બજેટ ખોરવાયું

નવી દિલ્હી,તા.21:
ઈરાન-અમેરિકા વચ્ચે ગત માર્ચ માસથી શરૂ થયેલું યુધ્ધ હજી ચાલુ જ છે ત્યારે આ યુધ્ધની સીધી અસર ભારતને કુડ ઓઇલ, એલએનજી સહિતના આવશ્યક ઈધણના પુરવઠા ઉપર પડી છે. જેના પગલે પેટ્રોલિયમ પદાર્થો સહિત તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારાનું વિષચક્ર શરૂ થયું છે. ક્રુડઓઈલના ભાવ એક બેરલના 90 ડોલરની સપાટીએ પહોંચી જતાં હજી ગઇકાલે જ સીએનજીના ભાવમાં કિલોએ રૂા.2નો વધારો થયો હતો. હવે ભારતમાં મોંથવારીનું વિષચક શરૂ થયું છે તેની આગામી સમયમાં વધુ તિવ્ર અસરો જોવા મળશે.
ભાવ વધતા સામાન્ય નાગરિકો અને નોકરિયાત વર્ગના બજેટ જ ખોરવાઇ જવા પામ્યા છે. આવશ્યક ચીજોના ભાવ પણ 15 થી 25 ટકા જેટલા વધી ગયા છે. બીજી તરફ શાકભાજીના પણ હાલમાં દોઢાથી બમણાં થઇ જવા પામ્યા છે. પાલખ અને મેથી સહિતની લીલી ભાજીના ભાવ તો એક કિલોના રૂા. 100 થઇ ગયા છે. જ્યારે કોથમીરના એક કિલોના રૂા.200 , કોબીજ એક કિલોના રૂા.60 થી રૂા.80 જ્યારે ફુલેવારના એક કિલોના રૂા.80 થી રૂા.100 થઇ જવા પામ્યા છે. દુધીના એક કિલોના રૂા.40 થી રૂા.50, પરવળના રૂા.100, ચોળી, ગવારસિગ, ટીંડોળા, ભીંડા પણ હવે વધી ગયેલા ભાવના કારણે અગાઉ નાગરિકો 500 ગ્રામ ખરીદતા હતા તેના બદલે હવે 250 ગ્રામ ખરીદતા થઈ ગયા છે. આમ નાગરિકોની ખરીદશક્તિમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે. શાકભાજી વેચતા નાના ફેરિયા પણ હાલમાં ઘટી ગયેલા વેચાણથી મુશ્કેલી અનુભવી રહ્યા છે.