ગત રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક કરી : 11 બાળકો સહિત 13ના મોત
(એજન્સી) કાબુલ તા.10
પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કર્યા છે. અફઘાન સરકારના અધિકારીઓ અને સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશોની સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે.
અફઘાનિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાની સૈન્ય વિમાનોએ રાત્રે તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો. અફઘાન અધિકારીઓ અનુસાર, આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે.
કાબુલના તાલિબાન શાસકોએ આ હુમલાઓની નિંદા કરતા તેને માનવીય અપરાધ અને આક્રમકતાની કાર્યવાહી ગણાવી છે. પાકિસ્તાન આ પહેલા પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કરી ચૂક્યું છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ અનુસાર, પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં નાગરિક આવાસોને નિશાન બનાવ્યા હતા. અફઘાન સરકારે પાકિસ્તાનના હુમલાની નિંદા કરતા જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.


