જૂનાગઢમાં ગણપતિ બાપા મોરીયાનાં ગુંજારવ સાથે દુંદાળા દેવને ભાવભરી વિદાય અપાઈ

ઢોલ નગારાનાં તાલે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ તું જલ્દી આનાના નાદ ગુંજી ઉઠયા

જૂનાગઢમાં ગણપતિ બાપા મોરીયાનાં ગુંજારવ સાથે દુંદાળા દેવને ભાવભરી વિદાય અપાઈ
AI Image

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે ગણપતિ મહોત્સવનાં અંતિમ દિવસે ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે વિધ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થીનાં દિવસથી જ ગણપતિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો. પંડાલોમાં વિધ્નહર્તા દેવની પધરામણી કરી બંને ટાઈમ પૂજન અર્ચન, સત્યનારાયણ ભગવાનની કથા તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો શહેરમાં ભાવપૂર્વક યોજાયા હતાં. વિધ્નહર્તા દેવનાં ઉત્સવમાં ભાવિકો લિન બન્યા હતાં. ગણપતિ ઉત્સવની ઉજવણી ગઈકાલે અંતિમ ચરણમાં પહોંચી હતી અને વિદાય આપવાની ઘડી આવી ગઈ હતી. ગઈકાલે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી બપોર બાદ એક પછી એક ગણપતિ વિસર્જન કરવાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ખાસ કરીને ટ્રેકટર કે અન્ય વાહનમાં ગણપતિ ભગવાનને પધરાવી અને વાજતે ગાજતે વિસર્જનની યાત્રા યોજાઈ હતી. અને ગણપતિ ઉત્સવનાં આયોજકો ભવનાથ ખાતે પહોંચ્યા હતાં અને જયાં મનપા દ્વારા કરવામાં આવેલા વિસર્જન કુંડમાં વિધિવત ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવેલ હતું. ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ગઈકાલે અંતિમ દિવસે આ કુંડમાં ર૭૧ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને અત્યાર સુધીમાં રપ૦૦થી વધુ પ્રતિમાનું વિસર્જન થયું હતું. ગણપતિ બાપા મોરીયાનાં ગુંજારવ સાથે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી. ઢોલ નગારાનાં તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ તું જલ્દી આનાના નાદો ગુંજી ઉઠયા હતાં.