તહેવારોની સીઝન પહેલા એસી, ટીવી, વોશિંગ મશીનના ભાવમાં ૮ ટકાનો વધારો થશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
તહેવારોની સીઝન પહેલા દેશમાં એસી, એલઈડી ટીવી, વોશીંગ મશીન અને અન્ય ઈલેકટ્રોનીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે, મુખ્ય ઈલેકટ્રોનીકસ કંપનીઓ તાંબા, પોલાદ જેવા કાચા માલની કિંમતોમાં વધારાને ધ્યાનમાં રાખીને પોતાના ઉત્પાદનોના ભાવ પાંચથી આઠ ટકા સુધી વધારવાની તૈયારીમાં છે. કંપનીઓ અનુસાર તાંબા, એલ્યુમીનીયમ, પોલાદ, પ્લાસ્ટીક અને કાચા તેલ સાથે સંકળાયેલા ઉત્પાદનોના વધતા ખર્ચની સાથે સાથે માલ પરિવહન ખર્ચ અને વિદેશી મુદ્રામાં ઉતાર-ચડાવના કારણે કિંમત વધારવી જરૂરી બની ગઈ છે. આ વર્ષે આ ત્રીજી વાર હશે કે ઈલેકટ્રોનીકસ કંપનીઓ ભાવ વધારશે. એર ક્નડીશનરની કિંમતમાં જયાં ૫થી૮ ટકા સુધી વધારાની સંભાવના છે. ત્યારે કેટલીક કંપનીઓ વોશિંગ મશીન, રેફ્રીજરેટર અને એલઈડી ટીવીના ભાવ ૩થી૪ ટકા વધારવા જઈ રહી છે. જાે કે કેટલીક કંપનીઓ હજુ સ્થિતિનું આકલન કરી રહી છે. અનેક કંપનીઓનું માનવું છે કે કિંમત વધારવાથી માંગ પર અસર પડી શકે છે.


